Sunday, December 27, 2009

વધતી મોંઘવારીથી જનતા થઈ બેહાલ

દેશમાં મોંઘવારી કુદકેને ભુસકે વધી રહી છે. જીવનજરૂરિયાતની ચીજોની કિંમતો આકાશને આંબી રહી છે. કઠોળ, દાળ, ખાંડના ભાવ સરકારના કાબૂ બહાર જઈ રહ્યા છે. રોજબરોજના શાકભાજી, દુધ અને ફળોના ભાવ પણ વધી રહ્યા છે. મધ્યમ વર્ગીય પરિવારોનું બજેટ ખોરવાઈ ગયું છે. નાણામંત્રી સંસદમાં પિત્તો ગુમાવી બેસે છે પણ હવે ફક્ત જનતાનો પિત્તો ખસવાની વાર છે. મંદી દુર થવાના અને અર્થતંત્ર સુધારા પરના સમાચારો રોજેરોજ આવતા રહે છે. પણ બજાર્નો હાલ કાંઈક અલગ જ છે. થોડા મહિનાઓ પહેલાં તો ફુગાવાનો દર નેગેટિવ હોવા છતાં ભાવો વધી રહ્યા હતા. આવું ફક્ત ભારતમાં જ બની શકે. આનું કારણ એ છે કે ફુગાવો ગણવા માટેના હાલના ઈન્ડેક્સમાં ગણાતી બ્રાન્ડ અને કિંમતો 20 વર્ષ પહેલાની છે. એટલે આ રીતે ગણાતો ફુગાવાનો દર વાસ્તવિક દરથી દૂર જ હોવાનો. નવો ઈન્ડેક્સ નવા નાણામંત્રી આવ્યા બાદ અમલમાં આવવાનો હતો. હજુ સુધી આ અમલ શક્ય બન્યો નથી. દેશના વડાપ્રધાન અર્થશાસ્ત્રી હોવા છતાં પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહી છે. આંતરરાષ્ટ્ર્રીય બજારોમાં વધી રહેલા ભાવોને કારણે થોડી મોંઘવારી વધે એ વાત સ્વાભાવિક છે. તેમ છતાં સરકાર ઘણા પગલાં લઈ શકે છે. પ્રથમ તો કાયમી રીતે મોંઘવારી ઘટાડવા માટે અનાજના સટ્ટાબજારો પર પ્રતિબંધ જરુરી છે. સટ્ટાપ્રવૃત્તિને કાનુની માન્યતા મળવી નરી મૂર્ખામી છે. જે વાતની દેશની મોટાભાગની પ્રજાને ખબર છે તે દેશના નાણામંત્રી કે વડાપ્રધાન માનવા તૈયાર નથી કે સટ્ટાબજારોને કારણે મોંઘવારી વધી રહી છે. કૃષિમંત્રી નફ્ફટાઈથી હજુ મોંઘવારી વધવાની જાહેરાતો કરતાં રહે છે. સરકાર કરવા ઈચ્છે તો ઘણું બધું કરી શકે છે. અનાજનો અનામત જથ્થો બજારમાં મુક્ત કરવો જોઈએ. આવશ્યક વસ્તુઓનું રેશનિંગ કરવું જોઈએ. કેન્દ્ર સરકાર પોતે અપૂરતાં પ્રયાસો કરી રાજ્ય સરકારો પર દોષ ઢોળવાનું છોડતી નથી. પોતાને ફરજો અદા કર્યા વગર રાજકારણમાંથી ઉંચી આવતી નથી. એનડીએના શાસન વખતેના ભાવો જોડે સરખામણી કરવાનું ભુલતા નથી. જનતા મોંઘવારીમાં ભીંસાઈ રહી છે. પણ કેન્દ્રની કુંભકર્ણ સરકારના પેટનું પાણી હલતું નથી

Sunday, March 29, 2009

ભાજપને ભાંડતા પહેલાં પોતાને જોવે કોંગ્રેસ

25મી માર્ચના રોજ કોંગ્રેસે લોકસભાની ચૂંટણી અંગેનો પોતાનો ઢંઢેરો પ્રકાશિત કર્યો. આ વખતે યોજાયેલી પત્રકાર પરિષદમાં જવાબ આપતી વખતે શ્રી મનમોહનસિંહે અડવાણી પર આકરા પ્રહારો કર્યા. પોતાને નબળા વડાપ્રધાન તરીકેના મેણાંનો જવાબ આપતી વખતે મનમોહનસિંહે અડવાણીના ટ્રેકરેકોર્ડ પર નજર નાખવા જણાવ્યું. આ માટે તેમણે સંસદ પરના હુમલા, 2002ના ગુજરાતના હુલ્લ્ડ અને કંદહાર ખાતેના ઈન્ડિયન એરલાઈન્સના વિમાનના અપહરણના બનાવો વખતે અડવાણીની ભૂમિકા નબળી હોવાનું કહ્યું. બીજા દિવસે એટલે કે 26મી માર્ચે પોંડિચેરીમાં રાહુલ ગાંધીએ પણ કંદહાર વિમાન અપહરણ મુદ્દે તત્કાલીન સરકારની નબળાઈ ગણાવી.. 25મી તારીખે જ જ્યોતિદારિત્ય સિધિંયા એ કહ્યું હતું કે કોગ્રેસ આ પ્રકારના બનાવોનો આધાર લઈ રાજનીતિ કરતી નથી. અને આ જ મુદ્દે વડાપ્રધાન અને કોંગ્રેસના મહામંત્રી જુદું જ મંતવ્ય ધરાવે છે. જે હોય તે પણ હું તેમના આ જ નિવેદનોનું સત્ય હકીકતો અને તે વખતેની પરિસ્થિતિના આધારે ખંડન કરવા માંગુ છું. સંસદ પર હુમલો થયો એ દેશની સરકાર માટે નિષ્ફળતા હતી. તેમ છતાં સંસદ પરના હુમલાના આરોપી અફઝલ ગુરુની ફાંસીની સજા અંગે રાજકારણ ખેલનાર કોંગ્રેસની જ સરકાર હતી. 2002ના ગુજરાતના હુલ્લ્ડ દેશ માટે શરમજનક છે તેમ છતાં કોંગ્રેસે 1984ના શીખ-વિરોધી હુલ્લડોમાં આ જ કર્યુ હતું અને તે આધારે જ સત્તા મેળવી હતી. ઈન્ડિયન એરલાઈન્સના વિમાન આઈસી-184નું જ્યારે અપહરણ કરવામાં આવ્યું ત્યારે તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આ મુસીબત સામે કડક રીતે લડવાનું નક્કી કર્યુ હતું. આતંકવાદીઓએ જ્યારે વિમાનના મુસાફરોની મુક્તિના બદલામાં ભારતની જેલમાં કેદ આતંકવાદીઓને છોડવાની માંગણી કરી ત્યારે તત્કાલીન સરકારે આ માંગણી ન સ્વીકારવાનું નક્કી કર્યુ હતું. પરંતુ અપહરણ કરાયેલા મુસાફરોના સગાં-સંબંધીઓએ સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો. તેમના કહેવા મુજબ ભારત અને પાકિસ્તાનની સરકારો વચ્ચેના મામલામાં અપહ્યત મુસાફરો ભોગ બનતાં હતા. આ ઉપરાંત અમેરિકા અને વિશ્વ માનવાધિકાર પંચ દ્વારા સરકાર પર દબાણ આવ્યું. તેથી દબાણવશ થઈ નાછૂટકે આતંકવાદીઓને છોડવા પડ્યા. આ નિર્ણય ખરેખર આત્મઘાતી હતો અને તેના પરિણામો આજે પણ દેશ ભોગવી રહ્યો છે. આ બધુ થયા બાદ જ આતંકવાદીઓ સામે લડાઈના એક ભાગ સ્વરુપ જ પોટા કાયદો ઘડવામાં આવ્યો હતો. પણ પોતાની વોટબેંકની રાજનીતિ સિધ્ધ કરવા કોંગ્રેસે તેને નાબુદ કરી દીધો. તેમ છતાં મારે કોંગ્રેસને પુછવું છે કે આ પરિસ્થિતિમાં કોંગ્રેસની સરકારે અને રાહુલ ગાંધીએ ક્યા પ્રકારનો નિર્ણય લીધો હોત? ગઈ લોકસભાની અને ગુજરાત વિધાનસ્ભાની ચૂંટણી વખતે પણ કોંગ્રેસ દ્વારા આ મુદ્દો ઉછાળવામાં આવ્યો હતો. આ પ્રકારના દુ:ખદ બનાવો પર રાજનીતિ કરીને કોંગ્રેસ શું સાબિત કરવા ઈચ્છે છે? જો ચૂંટણી પંચ દ્વારા ભડાકાઉ ભાષણ આપવા બદલ વરુણ ગાંધી વિરુધ્ધ પગલાં ભરવામાં આવ્યા તો પોતાના રાજકીય લાભ માટે ભાન ભુલી દેશની ઉપરના કલંકસમા મુદ્દા ઉખેળતી કોંગ્રેસ વિરુધ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.  

Sunday, March 22, 2009

વોટબેંકની લ્હાયમાં દેશદ્રોહ

મુસ્લિમો સાથે ચૂંટણીમાં વૉટ જેટલો જ મતલબ રાખતી રાજકીય પાર્ટીઓને પોતાને મુસ્લિમોના મસીહા તરીકે ઓળખાવવું પસંદ છે. આ બાબતને સાબિત કરવા માટે અમુક નેતાઓ પણ આતંકવાદીઓને છાવરવામાં લાગી ગયા છે. સમાજવાદી પાર્ટી તો પહેલેથી જ સિમિની તરફેણમાં હતી. અગાઉ જ્યારે શ્રી મુલાયમસિંહ યુપીના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ સિમિને ગ્રાંટ પૂરી પાડતા હતા. અમદાવાદ બ્લાસ્ટના આરોપી અબુ બશરની ધરપકડના વિરોધમાં યુપીના આઝમગઢમાં કે જે અબુ બશરનું વતન છે ત્યાં એક રેલી કાઢવામાં આવે હતી જેમાં સમાજવાદી પાર્ટી અને યુપી કોંગ્રેસના ઘણા બધા કાર્યકરો અને નેતાઓ જોડાયા હતા. આ સમાચારની નોંધ પ્રિંન્ટ મીડિયા સિવાય લગભગ બીજા કોઈએ લીધી ન હતી. ખરેખર તો આ સમાચાર જાણ્યા પછી તેને માઈલેજ અપાવું જોઈએ. આ પ્રકારની દેશદ્રોહી પ્રવૃત્તિમાં ભાગ લેવા બદલ તમામની ધરપકડ થવી જોઈતી હતી પરંતુ આવું કાંઈ થયું નહિ એ શરમજનક વાત છે. અમરસિંહે દિલ્હીના જામિયાનગરના બાટલા હાઉસમાં થયેલ એંકાઉન્ટરને નકલી ગણાવી તેની તપાસ કરાવવાની માંગ કરી હતી. તેમણે તો અથડામણમાં શહીદ થયેલા પોલીસ ઑફિસરની શહીદી પર જ સવાલ ઉઠાવ્યો હતો. તેમના મતે માર્યા ગયેલા આતંકવાદીઓ કાયદાના વિધ્યાર્થીઓ હતા. છતાં તેમની પાસે એકે-47 ક્યાંથી આવી. આતંકવાદીઓના સર્ટિફિકેટ્સ અને માર્કશીટ્સ બનાવટી હતી, શ્રી અર્જુન સિંહ અને શ્રી રામવિલાસ પાસવાને તો પકડાયેલા બાકીના આતંકવાદીઓને કાનૂની મદદ આપવાની પણ દરખાસ્ત કરી હતી મારે આ દેશના લોકો અને ખાસ કરીની મુસ્લિમોને કહેવુ છે કે આ જ પ્રકારની પાર્ટીઓ જે મુસ્લિમો વતી લડવાનું નાટક કરી દેશના લોકો વચ્ચે કોમવાદ ઉભો કરી પોતાનો મતલબ સાધે છે. આ માટે મુસ્લિમોને બદનામ કરે છે. જે પાર્ટી પોતાના દુશ્મન જોડે જોડાઈ શકે છે તે પોતાનો મતલબ સિધ્ધ કરવા પ્રજાને પણ દગો આપતા ખચકાતાં નથી. 

આપણી લોકશાહીની ગેરવ્યવસ્થાઓ

ભારતના મહાનતમ રાષ્ટ્રપતિઓમાંના એક શ્રી એપીજે અબ્દુલ  કલામ  હતા. પરંતુ તેઓ રાજકીય પક્ષોની ગંદી રાજનીતિનો ભોગ બન્યા. અને આપણે એક સારા રાષ્ટ્રપતિ ગુમાવ્યા. ભારતની લોકશાહી વ્યવસ્થાની આ જ વિટંબણા છે. પહેલી ગેરવ્યવસ્થા એ છે કે દેશના નાગરિકોને પોતે દેશની સર્વોચ્ચ સત્તા એવા રાષ્ટ્રપતિ  ચૂંટવાની સત્તા નથી. આ સત્તા સંસદસભ્યોના હાથમાં રહેલી છે. સંસદસભ્યો પ્રજાના પ્રતિનિધિ છે. પરંતુ તેઓ પણ પોતાની પાર્ટીને અનુકૂળ હોય તેવા વ્યક્તિની નિમણૂક કરે છે. તેથી તેઓ જે યોગ્ય કે અયોગ્ય વ્યક્તિ પસંદ કરે તે દેશે ચલાવી લેવા પડે છે.  કેટલીક વાર તો રબરસ્ટેમ્પ રાષ્ટ્રપતિ જ મળે છે. એ જ રીતે દેશના વડાપ્રધાનની નિમણૂક કરવાની સત્તા અને તેમનો કાર્યકાળ પણ સંસદસભ્યોના હાથમાં છે. તેઓ ગમે ત્યારે ટેકો  પાછો ખેંચી સરકાર પાડી દે છે. સરકાર ટકાવવાના બદલામાં પુષ્કળ નાણાં મેળવી લે છે અથવા પોતાની સામેના કેસોનું સમાધાન કરાવી લે છે. નાછૂટકે સરકાર બચાવવા વડાપ્રધાને એક રીતે તેમના ગુલામ થઈને રહેવું પડે છે. બીજી એક ખામી એ છે કે કાયદા ઘડવાનું કામ  સંસદસભ્યોનું છે. પરંતુ આ કારણે તેમને નુકસાનકારક અને દેશ માટે ફાયદાકારક એવા કાયદા-સુધારા-ખરડા સંસદમાં પસાર થતા હંમેશા અટકાવે છે. આની સામે ભથ્થાં-વધારા જેવા સુધારાઓ સર્વસંમતિથી પાર થઈ જાય છે. કોઈ વાર સત્તાધારી પક્ષના સંસદસભ્યો બહુઅમતીના  જોરે તેમને અનુકૂળ કાયદા કે ખરડા પસાર કરાવી દે છે. સંસદસ્ભ્યોના નિર્ણયને એક  જ  વાર રાષ્ટ્રપતિ બદલી શકે છે. જો એ જ કાયદો ફરીથી સંસદમાં પસાર કરી રાષ્ટ્રપતિને મોકલાય તો આ સંજોગોમાં કંઈ થઈ શકતું નથી. અફઝલ ગુરુની ફાંસીની સજાની માફીના કેસમાં આમ જ બન્યું હતું. આ બેય મુદ્દા વિરુધ્ધ દલીલ થઈ શકે કે લોકોએ પોતાનો વોટ આપતી વખતે  સંસદસભ્ય તરીકે કોને પસંદ કરવા તે અંગે સભાનપણે નિર્ણય લે. પણ પ્રજા કંઈ બધા જ  ઉમેદવારોને વ્યક્તિગત રીતે જાણી શકતી નથી. ત્રીજી સમસ્યા એ છે કે આપણી લોકસભા છેલ્લા કેટલાક વર્ષોથી ત્રિશંકુ જોવા મળે છે. આની પાછળનું કારણ એ છે કે આપણા ત્યાં ઘણી બધી પાર્ટીઓ છે. વાસ્તવમાં તંદુરસ્ત લોકશાહીમાં બે પાર્ટીઓ જ આદર્શ છે, આ બધી ગેરવ્યવસ્થાઓ દૂર કરવા માટે બંધારણમાં સુધારા જરુરી છે. અને આવા સુધારા કરવા એ પણ આવા જ સંસદસ્ભ્યોના હાથમાં છે. 

રાજકીય પક્ષો અને રાજકારણીઓની દંભી બિનસાંપ્રદાયિકતા

ભારતના બંધારણ મુજબ ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે. તેથી આ ભાવનાનું પાલન કરવું દરેક નાગરિકની ફરજ છે. રાજકીય પક્ષો અને રાજકારણીઓ પણ આમાંથી બાકાત નથી. પરંતુ આપણા અમુક રાજકીય પક્ષો અને રાજકારણીઓ દંભી બિનસાંપ્રદાયિકતા ધરાવે છે. તેમની ગરજ અને સગવડ અનુસાર બિનસાંપ્રદાયિકતાની વ્યાખ્યા બદલતા રહે છે. ખરી બિનસાંપ્રદાયિકતા એ છે કે બધા જ નાગરિકોના સમાન હક હોવા જોઈએ. બધી જ કોમો માટે સરખો ભાવ હોવો જોઈએ. આપણા કહેવાતા બિનસાંપ્રદાયિક પક્ષો અને સભ્યો ભાજપ જેવી પાર્ટીઓને કોમવાદી અને સાંપ્રદાયિક ગણાવે છે. અને પોતે લઘુમતિ જાતિના લાભ અંગે વધુ પડતા સભાન રહે છે. આ વાતની સાબિતિ આપતા દાખલા પર નજર કરીએ. (1) કોંગ્રેસ પાર્ટીના 2004ના વાર્ષિક અધિવેશનમાં વડાપ્રધાન મનમોહનસિંહે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી મુસ્લિમોને વાંધાજનક હોય તેવા કોઈ પગલાં ભરવા માંગતી નથી. પણ હિન્દુઓને વાંધાજનક એવી સેતુસમુદ્રમ યોજના મંજૂર કરી દેવાય છે. હિન્દુઓની લાગણીને માન આપવું કોંગ્રેસની દ્રષ્ટિએ કોમવાદ છે. (2) બીજા એક સમારંભમાં વડાપ્રધાને કહ્યું હતું કે દેશની સંપત્તિ પર પ્રથમ હક મુસ્લિમોનો છે. ભાજપે ક્યારેય એવું કહ્યું નથી કે હિન્દુઓનો અમુક બાબતોમાં પહેલો હક છે. (3) બિહારની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ-વિરોધી આરજેડી દ્વારા ઓસામા બિન લાદેન જેવા દેખાતા માણસને પ્રચારમાં ઉતાર્યો હતો. આમ કરવા પાછળનું કારણ સમજવું બહુ મુશ્કેલ નથી. (4) વોટબેંકની રાજનીતિ અંતર્ગત સંસદ પરના હુમલાખોર અફઝલ ગુરુની ફાંસી અટકાવવામાં આવી છે. (5) 2006માં વડોદરા મ્યુનિસિપાલિટીએ દબાણ હટાવવાના અભિયાન હેઠળ વીસ મંદિરો તોડ્યા ત્યાં સુધી કંઈ નવાજૂની ન બની પરંતુ એક દરગાહ તોડવા જતાં શહેરમાં તોફાનો ફાટી નીકળ્યા. હાઈકોર્ટે  મ્યુનિસિપાલિટીને કામ ચાલુ રાખવા જણાવ્યું. પણ કેન્દ્ર સરકારે હાઈકોર્ટના ચુકાદા સામે સુપ્રિમ કોર્ટમાં સ્ટે લેવડાવ્યો. મંદિરો તૂટવા એ તેમના માટે એક ગૌણ બાબત હતી. (6) 1998માં લાલકૃષ્ણ અડવાણીની બોમ્બ બ્લાસ્ટ દ્વારા હત્યાનો પ્રયત્ન કરનાર અબ્દુલ મદાનીના પક્ષ જોડે લઘુમતિઓની 24% વસ્તી ધરાવતા કેરલમાં 2001ની ચૂંટણી વખતે કોંગ્રેસ દ્વારા જોડાણ કરાયું હતું. આતંકવાદી કૃત્ય કરનાર ફક્ત મુસ્લિમ હોવાને લીધે સેક્યુલર કોંગ્રેસ અને લેફ્ટ માટે હીરો છે. (7) 2004માં સત્તા પર આવતા જ કોંગ્રેસ દ્વારા પૉટા કાયદો નાબૂદ કરવામાં આવ્યો. આવા તો સંખ્યાબંધ ઉદાહરણો છે. શું આ પરથી સાબિત થતું નથી કે આ રાજકીય પક્ષો અને તેમના સભ્યો પ્રજામાં પક્ષપાત કરે છે? શું આ લોકો ખરા બિનસાંપ્રદાયિક છે? આપણા દેશના બુધ્ધિજીવીઓ, મીડિયા, એનજીઓનું આ બધી બાબતો પ્રત્યે ધ્યાન જતું નથી. ફક્ત બિનજરૂરી અને ફાયદાકરક મુદ્દાઓની પબ્લિસીટી કરવામાં બધા પાવરધા છે. ભારતમાં યુપીએના ઘટક પક્ષો અને અન્ય ઘણી પાર્ટીઓ પોતાને બિનસાંપ્રદાયિક કહેવડાવે છે અને ભાજપને સાંપ્રદાયિક અને અછૂત પાર્ટી ગણે છે. જેમ તેમના કહેવા મુજબ ભાજપ કટ્ટર હિંદુત્વ ધરાવતું હોવાથી કોમવાદી છે. તેમ જ આ પાર્ટીઓને ફક્ત લઘુમતીઓના જ હિત દેખાય છે તો તેઓ પણ કોમવાદી જ કહેવાય. મુસ્લિમોનું હિત જાળવવામાં કંઈ વાંધો નથી પરંતુ ફક્ત લઘુમતિઓને જ ખુશ કરવાની નીતિ ઘડવી એ બિનસાંપ્રદાયિકતાનું અપમાન છે. પોતાને બિનસાંપ્રદાયિક કહેનારી આ પાર્ટીઓએ પોતાની અંદર નિહાળવાની જરુર છે. 

Sunday, March 15, 2009

ગોધરાકાંડ - સમગ્ર દેશ સામે ગાળ સમાન

સાત વર્ષ વીતી ગયા હોવા છતાં ગોધરા ટ્રેનકાંડ અને ત્યાર પછીના કોમી રમખાણો એ દેશના ઘણા બધા લોકો માટેનો પ્રિય વિષય છે. જે લોકો તેનો  ભોગ બન્યા છે તે લોકો તેને ભુલવા પ્રયત્ન કરી રહ્યા છે. તેમ છતાં અમુક પરિબળોને તેમના ઘા તાજા રાખવામાં વધુ આનંદ આવે છે. વિવિધ કહેવાતા બિનસાંપ્રદાયિક રાજકીય પક્ષો, મિડીયા અને એનજીઓ દ્વારા આ મામલો જરૂર કરતાં વધુ ચગાવવામાં આવ્યો છે. આ  બનાવમાં જે લોકો દોષિત છે તેમને કાયદો વહેલો કે મોડો સજા આપવાનો જ છે. તેમ છતાં આ  મામલે અમુક પ્રકારનો અપપ્રચાર કરીને મામલાને વધુ જટિલ બનાવવા પ્રયાસ સાત-સાત  વર્ષોથી કરવામાં આવી રહ્યા છે. જે થયું એ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ બનાવ હતો તેમ છતાં  કોઈ એક જ પક્ષની વકીલાત કરી ગુંચવણ ઊભી કરવાથી કોઈ નીવેડો આવવાનો નથી. આ મામલાના અનુસંધાનમાં કેટલીક નક્કર હકીકતો પર પ્રકાશ પાડવો જરૂરી છે. હું કોઈ ચોક્ક્સ  જાતિ-વિરોધી નથી કે જે થયું તે સારું થયું એમ કહેવાનો પણ મારો કોઈ ઈરાદો નથી. તેમ  છતાં કહેવું અગત્યનું છે કે ટ્રેન સળગાવવાની ઘટના એટલે કે એક્શન થઈ તેના રીએક્શન  તરીકે સમગ્ર દેશમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા. આ ખરેખર એક સુનિયોજિત કાવતરું હતું.  એક આતંકવાદી કૃત્ય હતું. એ વાત જુદી છે કે આ કેસના આરોપીઓ સામે પોટા કાયદો  લગાવવામાં આવ્યો નથી. ભારતની અંદરના કે બહારના લોકો દ્વારા હિન્દુ અને મુસ્લિમોને  લડાવવા માટેની ચિનગારી સળગાવવાનો પ્રયાસ હતો. જેમાં અમુક પરિબળોએ આગમાં ઘીનું કામ કર્યુ જે મોટા ભડકામાં પરિણમી. આ સમગ્ર મામલાની અમુક ચોક્ક્સ બાબતોને ખૂબ જ લાઈમલાઈટ અને મહત્વ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જ્યારે કેટલીક વધુ મહત્વની બાબતોને આયોજનપૂર્વક દબાઈ દેવાઈ છે. આ મામલો ગુજરાત અને સમગ્ર દેશ માટે કલંક સમાન છે. પરંતુ ભારતમાં અનેક આ પ્રકારના કોમી રમખાણોમાં બંને કોમના લોકોના સેંકડો હત્યાકાંડ સર્જાયા છે તો તે અંગે પણ પૂરતી તપાસ થવી  જોઈએ. 

 

Sunday, February 8, 2009

પોલીસનું એન્કાઉન્ટર

તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં દેશભરની પોલીસની કામગીરી અંગે નવો કાયદો પસાર કર્યો છે. ખરેખર આ કોઈ નવો કાયદો નથી પરંતુ પોલીસ પ્રોસિજર કોડમાં કરવામાં આવેલો સુધારો કે ઉમેરો છે. આ સુધારા અનુસાર પોલીસ સાત વર્ષથી ઓછી સજાપાત્ર ગુનાઓ અંગે આરોપીની સીધી ધરપકડ કરી શકશે નહિ. પરંતુ આરોપીને ફક્ત મુદતી નોટિસ પાઠવવાની રહેશે. જો આરોપી આ નોટિસની મુદત પૂરી થતાં સુધીમાં પોલીસ સામે હાજર ન થાય તો જ પોલીસ તેની ધરપકડ કરી શકશે. સાત વર્ષથી ઓછી સજાપાત્ર ગુનાઓમાં સામાન્ય અકસ્માત, ચોરી, લૂંટફાટ, બિનઈરાદાપૂર્ણ હત્યા, શારીરિક કે માનસિક ત્રાસ, શારીરિક છેડતી, બળાત્કાર, પરિણીતા પરના ત્રાસ, દહેજ જેવા ગુનાઓનો સમાવેશ થાય છે. આ સુધારાનો મુખ્ય ઉદ્દેશ પોલીસને તેની સત્તાનો દુરુપયોગ કરતા અટકાવવાનો છે. પોલીસ દ્વારા ખોટા કેસોમાં નિર્દોષોની થતી હેરાનગતિ અટકાવવાનો છે. પરંતુ આ સુધારાના ગેરફાયદા પણ ઘણા બધાં છે. આ સુધારામાં જે ગુનાઓ સામેલ છે તે દેશમાં રોજબરોજ બનતા ગુનાઓ પૈકીના 90 ટકા ગુનાઓ છે. આ સુધારાના અમલથી ગુનેગારો નિર્ભય થઈ જશે. તેમને ગુનાઓ કરતાં પોલીસનો ડર રહેશે નહિ. આજકાલ દેશમાં જ્યારે લોકોનો પોલીસ પ્રત્યેનો વિશ્વાસ ઘટ્યો છે તેમાં આ સુધારાનો અમલ થતાં જનતામાં પોલીસ વધુ અળખામાણી બનશે. કોઈ પણ ચકચારી ગુનો બને ત્યારે લોકો અને મીડિયા દ્વારા પોલીસની કામગીરી પર માછલાં ધોવામાં આવતા હોવાથી પોલીસ પહેલેથી જ ખૂબ દબાણ હેઠળ રહેતી હતી તેમાં તેની કામગીરી વધુ મુશ્કેલ બનશે. આમ આ સુધારો એ દેશની પોલીસનું એન્કાઉન્ટર કરનારો બની રહેશે.

Sunday, February 1, 2009

હવે સમય છે જાગવાનો અને કંઈક કરવાનો

મુંબઈમાં આતંકવાદીઓએ કરેલા કરપીણ કારસ્તાનની વોટ બેંકનું રાજકારણ ચલાવતી કેન્દ્ર સરકાર પર તો કશી અસર કરવાનું નથી. પરંતુ હવે દેશની જનતાએ પોતે આત્મખોજ કરવાની જરૂર છે. આપણે એમ વિચારવાનું છે કે આપણે આતંકવાદીઓ સામે આટલા બધા લાચાર કેમ છીએ? બીજા શબ્દોમાં કહું તો છેલ્લા છએક મહિનામાં 60 કરતાં વધુ બૉમ્બધડાકા થાયા તેમ છતાં આપણે આ રીતનો રક્તપાત કેમ સાંખી લઈએ છીએ? ઈઝરાયેલના બે સૈનિકોને કેટલાક સમય પહેલાં હમાસના આતંકવાદીઓએ બાન પકડ્યા ત્યારે ઈઝરાયેલી વિમાનોએ સતત 17 દિવસ સુધી હમાસના અડ્ડાઓ પર બોમ્બમારો ચલાવ્યો. તો આપણે શું કામ ઈંટનો જવાબ પથ્થરથી આપી શકતાં નથી? હાલમાં પણ ઈઝરાયેલના ગાઝા પટ્ટી પર તેમજ શ્રીલંકન સેના દ્વારા પણ એલટીટીઈ સામે કાર્યવાહી ચાલુ છે. જવાબ સાવ સરળ છે. હિન્દુ ધર્મના નામે વર્ષો થયે ભારતીય પ્રજાને સતત એમ શીખવવામાં આવે છે કે અહિંસા પરમો ધર્મ છે. હિંસા કરો તો પાપ લાગે. આ જાતનો બોધ આપણને હિન્દુ ધર્મમાંથી નહિ પરંતુ તેના ખોટા અર્થઘટન દ્વારા મળ્યો છે. આ પ્રકારની ગભરુ માનસિકતા દરેક ભારતીય નાગરિકમાં જોવા મળે છે. અને ત્યાંથી આ માનસિકતા સરકારમાં બેઠેલાઓમાં પ્રવેશે છે. 26/11 પછીના પાકિસ્તાન સાથેના સંઘર્ષમાં ભારત આ જ કારણસર પાછું પડ્યું. અમેરિકા અને ઈઝરાયેલના નેતાઓ તડ ને ફડ કરવાની નીતિ ઘડતાં ગભરાતા નથી ગીતામાં શ્રીકૃષ્ણએ કહ્યું છે કે ધર્મયુધ્ધને ખાતર હિંસા કરતા ક્ષત્રિય માટે સ્વર્ગના દ્વાર ખૂલી જાય છે. આ ઉપરાંત તેમણે કહ્યું છે કે અધર્મનો નાશ કરવા માટે અધર્મનો સહારો પણ લેવો પડે તો તે પાપ નથી. આ ફક્ત હિન્દુ ધર્મની વાત નથી. દરેક ભારતીયને આ વાત લાગુ પડે છે. ધર્મ અને સત્ય બંને એક જ સિક્કાની બે બાજુઓ છે. તેથી સત્યને જીત અપાવવા માટે કંઈ પણ કરવું એ અધર્મ નથી. આવી સાદી વાત પણ આપણા નેતાઓને સમજાતી નથી. 9/11 પછી અમેરિકાએ સમગ્ર વિશ્વના આતંકવાદ સામે યુધ્ધ જાહેર કર્યુ હતુ. ભારતે એવે પારકી પંચાતમાં પડવાની જરૂર નથી તેમ છતાં પીઓકેમાં ચાલતા આતંકવાદી કેમ્પો પર હુમલો કરવો જોઈએ. ભારતે અન્ય વૈકલ્પિક ઉપાયો પર વધુ ધ્યાન આપ્યું. અમેરિકા અને સાઉદી અરેબિયાના દબાણમાં આવીને ભારતના નમાલા નેતાઓએ પીઠ બતાડી દીધી. શ્રી પ્રણવ મુખર્જી કહે છે કે હવે જો આવો હુમલો ફરીથી થશે તો ભારત પાકિસ્તાન પર હુમલો કરશે. એટલે ભારતે બીજો હુમલો ના થાય ત્યાં સુધી આપણે બેસી રહેવાનું. મને એ ખબર નથી પડતી કે ભારતે શું કરવું કે ન કરવું એ વિશે અમેરિકાને કે બીજા કોઈ દેશની વાત કેમ માનવી. અમુક પ્રસંગો કે જેમાં દેશની આનનો સવાલ હોય ત્યાં આ પ્રકારના દબાણો તુચ્છ છે. આપણે પણ ઈરાન, પાકિસ્તાન અને નોર્થ કોરિયાની જેમ નફ્ફ્ટાઈ શીખવી જરૂરી છે. અમેરિકા ઈઝરાયેલને ફુલ ટેકો આપે છે. તેનું મુખ્ય કારણ અમેરિકાના અર્થતંત્રમાં મોટો ભાગ ભજવતા અમેરિકામાં વસતા સમૃધ્ધ યહૂદીઓને કારણે છે. સમગ્ર ચર્ચાનો સાર એ છે કે આપણે અને આપણા દેશનું સંચાલન કરતાં નેતાઓએ જાગવાનું છે અને એવા મજબૂત અને ક્રૂર બનવાની જરુર છે કે ભારતને છંછેડવાની ભૂલ ન કરે. આપણા દેશમાં તો આતંકવાદીઓને પણ પંપાળવામાં આવે છે. આતંકવાદીઓને એવી ભુંડી રીતે મારવા જોઈએ કે તેઓ આ રીતના હિચકારા કૃત્ય કરવાની હિંમત જ ન કરી શકે. પણ આપણા દેશમાં નાગરિકો કરતાં આતંકવાદીઓનો માનવ-હક વધુ છે. જો ભારતને ભવિષ્યમાં અખંડિત રાખવું હોય તો આમ કરવું અનિવાર્ય છે.