Sunday, December 27, 2009

વધતી મોંઘવારીથી જનતા થઈ બેહાલ

દેશમાં મોંઘવારી કુદકેને ભુસકે વધી રહી છે. જીવનજરૂરિયાતની ચીજોની કિંમતો આકાશને આંબી રહી છે. કઠોળ, દાળ, ખાંડના ભાવ સરકારના કાબૂ બહાર જઈ રહ્યા છે. રોજબરોજના શાકભાજી, દુધ અને ફળોના ભાવ પણ વધી રહ્યા છે. મધ્યમ વર્ગીય પરિવારોનું બજેટ ખોરવાઈ ગયું છે. નાણામંત્રી સંસદમાં પિત્તો ગુમાવી બેસે છે પણ હવે ફક્ત જનતાનો પિત્તો ખસવાની વાર છે. મંદી દુર થવાના અને અર્થતંત્ર સુધારા પરના સમાચારો રોજેરોજ આવતા રહે છે. પણ બજાર્નો હાલ કાંઈક અલગ જ છે. થોડા મહિનાઓ પહેલાં તો ફુગાવાનો દર નેગેટિવ હોવા છતાં ભાવો વધી રહ્યા હતા. આવું ફક્ત ભારતમાં જ બની શકે. આનું કારણ એ છે કે ફુગાવો ગણવા માટેના હાલના ઈન્ડેક્સમાં ગણાતી બ્રાન્ડ અને કિંમતો 20 વર્ષ પહેલાની છે. એટલે આ રીતે ગણાતો ફુગાવાનો દર વાસ્તવિક દરથી દૂર જ હોવાનો. નવો ઈન્ડેક્સ નવા નાણામંત્રી આવ્યા બાદ અમલમાં આવવાનો હતો. હજુ સુધી આ અમલ શક્ય બન્યો નથી. દેશના વડાપ્રધાન અર્થશાસ્ત્રી હોવા છતાં પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહી છે. આંતરરાષ્ટ્ર્રીય બજારોમાં વધી રહેલા ભાવોને કારણે થોડી મોંઘવારી વધે એ વાત સ્વાભાવિક છે. તેમ છતાં સરકાર ઘણા પગલાં લઈ શકે છે. પ્રથમ તો કાયમી રીતે મોંઘવારી ઘટાડવા માટે અનાજના સટ્ટાબજારો પર પ્રતિબંધ જરુરી છે. સટ્ટાપ્રવૃત્તિને કાનુની માન્યતા મળવી નરી મૂર્ખામી છે. જે વાતની દેશની મોટાભાગની પ્રજાને ખબર છે તે દેશના નાણામંત્રી કે વડાપ્રધાન માનવા તૈયાર નથી કે સટ્ટાબજારોને કારણે મોંઘવારી વધી રહી છે. કૃષિમંત્રી નફ્ફટાઈથી હજુ મોંઘવારી વધવાની જાહેરાતો કરતાં રહે છે. સરકાર કરવા ઈચ્છે તો ઘણું બધું કરી શકે છે. અનાજનો અનામત જથ્થો બજારમાં મુક્ત કરવો જોઈએ. આવશ્યક વસ્તુઓનું રેશનિંગ કરવું જોઈએ. કેન્દ્ર સરકાર પોતે અપૂરતાં પ્રયાસો કરી રાજ્ય સરકારો પર દોષ ઢોળવાનું છોડતી નથી. પોતાને ફરજો અદા કર્યા વગર રાજકારણમાંથી ઉંચી આવતી નથી. એનડીએના શાસન વખતેના ભાવો જોડે સરખામણી કરવાનું ભુલતા નથી. જનતા મોંઘવારીમાં ભીંસાઈ રહી છે. પણ કેન્દ્રની કુંભકર્ણ સરકારના પેટનું પાણી હલતું નથી