Tuesday, February 16, 2010

આઈપીએલ, શિવસેના અને શાહરૂખ

આઈપીએલની ત્રીજી સીઝનમાં પાકિસ્તાનના ખેલાડીઓની અવગણનાની સાથે જ એક લાંબા નાટક્ની શરુઆત થઈ ગઈ છે. પાકિસ્તાનમાં ત્યાંના પૂર્વ ક્રિકેટરો અને રાજકારણીઓએ પોતાનો ઉગ્ર અણગમો દર્શાવ્યો. જે પણ કારણથી પાકિસ્તાનના ક્રિકેટરો ખરીદાયા ન હોય પણ જે થયું તે યોગ્ય જ થયું છે. જે દેશની સરકાર આપણા દેશને નુકસાન પહોંચાડનારા તત્ત્વો સામે કાર્યવાહી કરતી ના હોય તેવા દેશના ક્રિકેટરોને આપણે શા માટે કમાણીનો લાભ આપીએ? પાકિસ્તાનની નેશનલ ટીમ સામે રમવામાં કંઈ ખોટું નથી. પણ આપણા દેશની ખાનગી લીગમાં શા માટે રમીએ? પાકિસ્તાન જોડે સંબંધ રાખવાની આપણે કંઈ જરુર છે જ નહિ. ગૃહમંત્રી પી. ચિદંબરમે પણ જે થયું તે ખૂબ ખોટું થયું તેવું નિવેદન આપ્યું. કોલકત્તા નાઈટ રાઈડર્સના માલિક શાહરૂખ ખાને પણ પાકિસ્તાનના ખેલાડીઓની તરફેણ કરી. અને તે શિવસેના અને બાળ ઠાકરેના રોષનો ભોગ બન્યો. શિવસેના અત્યારે મુંબઈમાં પોતાનું ગુમાવેલું સ્થાન પાછું મેળવવા રઘવાઈ થઈ છે, તેથી તેણે ફરી મરાઠી કાર્ડ રમવાનું શરુ કર્યુ છે. પણ આ વખતે આંધળુકિયા કરીને ગમે તે મુદ્દાઓ પર રાજનીતિ થઈ રહી છે. સચીન તેંડુલકર, શાહરુખ ખાન, મુકેશ અંબાણી અને મોહન ભાગવત જેવી મોટી હસ્તીઓને નિશાન બનાવાઈ રહ્યા છે, સમજાતું નથી કે શું આ એ જ બાળ ઠાકરે છે જેઓ પહેલા શેરની માફક અસરકારક મુદ્દાઓ સાથે રાજનીતિ કરતા આવ્યા છે, શાહરૂખ ખાન ભલે એમ કહે કે આઈપીએલ વિશે મેં કંઈ જ ખોટું કહ્યું નથી તેથી માફી નહી માંગું. એમ તો શિવસેનાનો શાહરૂખ ખાનનો વિરોધ કરવાની રીત યોગ્ય નથી. પણ શાહરુખે ખરેખર કાયમી આદત મુજબ બિનજવાબદારીવાળું નિવેદન કર્યું છે. જો તેને પાકિસ્તાનના ખેલાડીઓને એટલી જ ચિંતા હતી તો તેણે પોતાની ટીમમાં તેમને લેવા જોઈતા હતા. આઈપીએલની હરાજીમાં જ્યારે અન્ય કોઈ ટીમ તેમને ખરીદવા તૈયાર ન હતી તો તેની ટીમે આગળ આવવું જોઈતું હતું. પાકિસ્તાનના ખેલાડીઓને હરાજીમાં તો સામેલ કરવામાં જ આવ્યા હતા. જો કે શાહરુખ ખાન પોતે પણ હરાજીની પ્રક્રિયામાં પોતે હાજર રહ્યો ન હતો. જો તેનામાં તે વખતે વર્તવાની હિંમત ન હતી તો તેણે પાછળથી બોલવું જોઈએ નહી.

બરાક ઓબામા – ગાજ્યા મેઘ વરસ્યા નહિ

બરાક ઓબામા જ્યારે રાષ્ટ્રપતિની ચૂંટણીની ઉમેદવારીની રેસમાં હતા ત્યારે તેઓ અમેરિકા અને સમગ્ર દુનિયામાં નોંધપાત્ર પરિવર્તન લાવનારા તરીકે પ્રોજેક્ટ થયા હતા. આપણા દેશમાં પણ મીડિયા અને અમુક કહેવાતાં બુધ્ધિજીવીઓ તો ઓબામા જાણે ભારતના પ્રમુખ બનવાના હોય એવા હરખપદુડા બન્યા હતા. તેઓના પ્રમુખ બનતાની સાથે જ તેમની પર અમેરિકાના ઈતિહાસના સૌથી મોટા આર્થિક સંકટ દૂર કરવાની જવાબદારી આવી પડી હતી. અને અમેરિકાની પ્રજાએ તેમની પાસે હદ બહારની અપેક્ષા રાખી હતી. શરુઆતમાં તેમની નીતિઓની અમેરિકા અને સમગ્ર વિશ્વમાં પ્રશંસા થઈ. પરંતુ સમય જતાંની સાથે સાથે તેમની નિષ્ફળતાઓ ઉડીને દેખાવા લાગી. આજે આર્થિક મંદી હોય કે આતંકવાદની સમસ્યા એમ દરેક મોરચે તેમની નિષ્ફળતા દેખાઈ રહી છે. એમાં પણ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના મુદ્દેની અણઘડ નીતિને કારણે ભારતની મુશ્કેલીઓ વધારી છે. આતંકવાદના મુદ્દે પણ પક્ષપાતની નીતિ રહી છે. અફઘાનિસ્તાનમાં અલ-કાયદાના સફાયા માટે પકિસ્તાનને ફરજ પડાઈ રહી છે અને બીજી બાજુ કાશ્મીરમાંના લશ્કર-એ-તોઈબાના આતંકવાદીઓના મુદ્દે ચૂપ રહે છે, તેમની નીતિ દૂધ અને દહીં બંનેમાં પગ રાખવાની છે તે વિશ્વને સમજાઈ ચૂક્યું છે. મધ્ય એશિયામાં જઈ ઈસ્લામની પ્રશંસા કરી આવ્યા તો ચીનના પ્રવાસે જઈ ત્યાં ખુશ કરી આવ્યા. પાકિસ્તાન મુદ્દે ભારતને ખોટી રીતે ફોસલાવતા રહ્યા છે. પાકિસ્તાનને છૂટા હાથે આર્થિક મદદ કરી આપણી મુશ્કેલી વધારી છે. આથી જ તેમની લોકપ્રિયતાનો ગ્રાફ સતત ઘટતો રહ્યો છે.