Thursday, May 27, 2010

નક્સલવાદ હાલમાં દેશની સળગતી સમસ્યા છે. જે દેશની લોકશાહી અને અખંડિતતા માટે ખતરારૂપ છે. દેશના પાંચ રાજ્યોમાં નક્સલવાદીઓનો સંપૂર્ણ કે અંશત: કબ્જો છે. તેઓ ફક્ત હિંસાની ભાષામાં જ વાત કરવાનું જાણે છે. નિર્દોષ લોકો અને સુરક્ષાકર્મીઓની હત્યા કરી તેઓ ભય ફેલાવવા માંગે છે. તેમને સમગ્ર દેશમાં પોતાનું લાલ સામ્રાજ્ય ઉભું કરવું છે. પછાત વર્ગના ઉધ્ધાર માટે શરૂ થયેલી આ ચળવળ હવે કરોડો રૂપિયાનો ધંધો બની ગયો છે. વેપારીઓ પાસેથી પ્રોટેક્શન મનીના નામે લાખો રૂપિયા પડાવે છે. નક્સલવાદને ફેલાતો અટકાવવો એ સરકાર માટે first priorityનું કામ છે.

Tuesday, May 25, 2010

વડાપ્રધાન મનમોહન સિંહની પ્રેસ કોન્ફરન્સ

યુપીએ સરકારની બીજી ટર્મનું એક વર્ષ પૂરું થવાના પ્રસંગે વડાપ્રધાને દિલ્હીમાં ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. દેશભરની પ્રજા અને મીડિયાએ વડાપ્રધાન પાસેથી ઘણા બધા પ્રશ્નોના જવાબોની આશા રાખી હતી. દેશભરના મીડિયાએ તેમને કુલ 53 સવાલ પૂછ્યા. પણ મનમોહનસિંહે સૌમ્યતા છોડી પાક્કા રાજકારણીની જેમ અમુક સવાલોના જવાબ આપવાનું ટાળ્યું. અને જે સવાલોના જવાબો આપ્યા તેમાંથી ઘણા જવાબો અસ્પષ્ટ અને ગોળગોળ હતા. જેમકે ફુગાવા વિશે પુછતાં તેમણે ડિસેમ્બર સુધીમાં ફુગાવાને કાબુમાં લઈ લેવાની આશા વ્યક્ત કરી. આ ફક્ત 'ગધેડાને ગાજર બતાવવા' જેવી વાત થઈ. દેશની પ્રજા છેલ્લા એક વર્ષથી ફુગાવા અને મોંઘવારીમાં પીસાઈ રહી છે. નક્સલવાદ વિશે પણ તેમણે દેશના વડાપ્રધાનને છાજે તેવો જવાબ ન આપ્યો. તેમણે જે કહ્યું એ તો ગૃહમંત્રી અને રક્ષામંત્રી પહેલેથી જ ઘણી વખત કહી ચૂક્યા છે. મનમોહને કહ્યું કે તેઓ પોતાની કામગીરી વધુ સારી રીતે કરી શક્યા હોત. તેમના દરેક ભાષણમાં આર્થિક વિકાસદરનું ઢોલ જોરશોરથી વગાડવામાં આવે છે. પરંતુ દેશની પ્રજા મોંઘવારીથી પરેશાન રહેતી હોય ત્યારે 9 કે 10 ટકા ના વિકાસદરથી કંઈ વળતું નથી .સાથે સાથે મનમોહને એમ પણ કહ્યું કે તેઓ પોતાની કામગીરી વધુ સારી રીતે કરી શક્યા હોત
વડાપ્રધાનની પ્રેસ કોન્ફરન્સ જાણે યુપીએનો ચૂંટણી-ઢંઢેરા સમાન હતી. તેમણે આતંકવાદ-નક્સલવાદ, સરહદની સુરક્ષા, આંતરિક સલામતી, ચીન-અમેરિકા સાથેના સંબંધો, બેકારી જેવા મુદ્દા વિશે કશું જ ન કહ્યું

Friday, May 21, 2010

બિનસાંપ્રદાયિકતાની હાંસી ઉડાવતુ અનામતનું રાજકારણ

(આ લેખ http://www.harshalpushkarna.blogspot.com/ પરથી લેવામાં આવ્યો છે)

આન્ધ્ર પ્રદેશમાં ત્યાંના પછાત વર્ગના મુસ્લિમો માટે શૈક્ષણિક સંસ્થાઓમાં તેમજ સરકારી નોકરીમાં ચાર ટકા અનામત રાખવાના સમાચાર ગયે મહિને આવ્યા. આર્થિક અને સામાજિક રીતે પછાત વર્ગના લોકો ભણીગણીને આગળ વધે અને સરકારી કચેરીઓમાં તેમને નોકરી મળી શકે એ માટે તેમને અમુક ક્વોટા બાંધી આપવો એ બેશક આવકારદાયક પગલું છે, પરંતુ સમાજના અમુક વર્ગને ‘પછાત’નું લેબલ માર્યા પછી એ લેબલ પર વળી ધર્મનું અને જાતિનું લેબલ શા માટે ચિપકાવવામાં આવે છે એ સમજાતું નથી. આર્થિક તેમજ સામાજિક રીતે પછાત રહી જવા પામેલા લોકોને અનામતના કાયદા વડે પગભર બનાવવા જ હોય તો એ લોકો કઇ જાતિના કે ધર્મના છે તેનાથી સરકારે શા માટે નિસ્બત રાખવી જોઇએ ? ક્વોટાની ટકાવારી તેમની આર્થિક પહોંચને અનુલક્ષીને કરવી જોઇએ, નહિ કે તેમના ધર્મને કે જાતિને ધ્યાનમાં લઇને.
દિલ્હીની કોંગ્રેસ સરકાર બિનસાંપ્રદાયિકતાની સખત અને સતત તરફેણ કરતી હોય છે. સેક્યુલારિઝમની વ્યાખ્યા એમ કહે છે કે સેક્યુલારિસ્ટ સરકારે દેશના રાજકારણને, કાયદો અને વ્યવસ્થાને તેમજ શિક્ષણપ્રથાને ધર્મસંપ્રદાયોથી તેમજ પ્રજાની નાતજાતથી પર રાખવા જોઇએ. આન્ધ્ર પ્રદેશમાં કોંગ્રેસની સરકાર છે. આમ છતાં પછાત વર્ગના મુસ્લિમોને સમાજના અન્ય વર્ગથી છૂટી પાડતી અનામતની સાંપ્રદાયિક સિસ્ટમ સામે કોંગ્રેસને કેમ કોઇ વાંધો કે વિરોધ નથી?
ભારતમાં વિવિધ નાત-જાતના અને ધર્મ-સંપ્રદાયના લોકો વસે છે, જેમની વચ્ચે આપસી ભેદભાવની લાગણી દુભાયા વગર શાંતિ જળવાયેલી રહે એ જોવાનું કામ સરકારનું છે. ‘અનામત’ અને ‘લઘુમતી કોમ’ જેવાં શબ્દો વડે જો કે સરકારે કોમી ભેદભાવ એટલી હદે સર્જ્યો છે કે ભારત માટે ‘બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર’ શબ્દ હવે અનફિટ ઠરે છે. બિનસાંપ્રદાયિકતાની વ્યાખ્યાને અવગણી જ્યારે રાજકારણમાં ધર્મ અને જાતિવાદ ભળે ત્યારે શું બને તેનો એક દાખલો ભારતના ભાગલાનો છે.વીસમી સદીના આરંભે કેટલાક મુસ્લિમ આગેવાનોને હિન્દુ બહુમતી ધરાવતા ભારતમાં પોતાની કોમનું ભાવિ જરા ધૂંધળું દેખાવા લાગ્યું ત્યારે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ સામે ૧૯૦૬માં તેમણે ઑલ ઇન્ડિયા મુસ્લિમ લીગ નામનો અલગ પક્ષ રચ્યો. પક્ષનો મુખ્ય ઉદ્દેશ મુસ્લિમોને તેમનાં રાજકીય હક્કો આપવાનો, તેમને શિક્ષણ આપવાનો તેમજ ધર્મના નામે ચાલતી હિંસાખોરીનો સખત વિરોધ કરવાનો હતો. આ દરેક કામ શી રીતે કરવું તેનો ‘ગ્રીન બૂક’ કહેવાતો મુસદ્દો મુસ્લિમ લીગે ઘડી કાઢ્યો હતો. અલબત્ત, ‘ગ્રીન બૂક’નો મુસદ્દો લાંબે ગાળે કાગળ પર જ રહી ગયો, કેમ કે અંગ્રેજો ભારતમાં વર્ષો થયે જાતિવાદનું અને કોમવાદનું ગંદું રાજકારણ તેમની divide and rule નીતિ વડે રમી રહ્યા હતાઅને તેના નતીજારૂપે હિન્દુ-મુસ્લિમો વચ્ચે અંતર સખત વધ્યું હતું. છેવટે ૧૯૩૦માં મુસ્લિમ લીગના મુહમ્મદ ઇકબાલે પહેલી વાર Two Nation Theory રજૂ કરીને દેશભરમાં હળવો ભૂકંપ સર્જ્યો. આ થિઅરી મુજબ હિન્દુ-મુસ્લિમો એક જ દેશમાં એકસાથે રહી શકે તેમ ન હતા, માટે મુસ્લિમોએ પોતાનું અલાયદું રાષ્ટ્ર સ્થાપવું જરૂરી હતું. મુસ્લિમ લીગની Two Nation Theory ને ૧૯૪૦માં મહમદ અલી ઝીણાએ ક્રાંતિનું સ્વરૂપ આપ્યું અને અંતે દેશના ભાગલા પડાવીને જંપ્યા. ધર્મના તેમજ જાતિવાદના નામે તેમણે પાકિસ્તાન નામના રાષ્ટ્રનું સર્જન કર્યું.
આ તરફ ભારત માટે તો ભાગલા પછીયે સ્થિતિ લગીરે ન બદલાઇ, કેમ કે હિન્દુ-મુસ્લિમો વચ્ચે કોમી એખલાસનું વાતાવરણ કદી ન સુધર્યું. ઑગસ્ટ, ૧૯૪૭માં અંગ્રેજો ગયા, પણ divide and rule ની કૂટનીતિ વારસામાં ભારતને આપતા ગયા. આપણા રાજકારણીઓએ તે વારસો વળી બખૂબી જાળવ્યો પણ ખરો. પરિણામે જાતિવાદ અને કોમવાદ ભારતના પોલિટિક્સ સાથે બહુ ગાઢ રીતે ગૂંથાઇ ગયા અને જે તે પાર્ટી વોટ બટોરવા માટે ધર્મ-સંપ્રદાયના મુદ્દાઓ પર મદાર રાખવા માંડી. આન્ધ્ર પ્રદેશમાં મુસ્લિમો માટે કરવામાં આવેલી અનામતની જોગવાઇ તેનું તાજું ઉદાહરણ છે. ભવિષ્યમાં આવા બીજા અનેક મુદ્દા પ્રકાશમાં આવવાના છે--અને એ દરેક મુદ્દો દેશની એકતા અને અખંડિતતામાં ઓર divide સર્જવાનો છે અને રાજકારણીઓના rule ને ઓર આસાન બનાવવાનો છે.

Tuesday, May 18, 2010

ઓબામાનો ભારત વિરુધ્ધ બફાટ

અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા એક કુશળ રાજકારણી અને વક્તા છે. તેઓને દુધ અને દહીં બંનેમાં પગ રાખવાની આદત છે. એટલે જ તો જ્યાં જાય છે તેમ તેમ તેમના વાક્યો બદલાતા જાય છે. જે દેશમાં ઉભા હોય તે દેશના લોકોને ગમે એવું બોલવામાં તેઓ હોશિયાર છે. આપણી સરકાર ભલે અમેરિકાને દોસ્ત માનતી હોય પણ હકીકત એ છે કે અમેરિકા અને તેના પ્રમુખો ગરજ વિના કોઈની સાથે દોસ્તી રાખતા નથી.
તાજેતરમાં જ ઓબામાએ ભારત વિરુધ્ધ વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. આપણી સરકારે તો હંમેશની માફક ચૂપ રહેવાનું પસંદ કર્યું છે. ઓબામાના કહેવા મુજબ ચીન અને ભારતમાં વાહનોની સંખ્યા અને વપરાશ વધવાથી દુનિયામાં ક્રુડ ઓઈલના ભાવમાં વધારો થયો છે. હવે તેમને આપણે શું કહેવું? સાચી વાત તો એ છે કે દુનિયામાં સૌથી વધારે વાહનોનો અને પેટ્રોલનો વપરાશ અમેરિકામાં થાય છે. અમેરિકાના વાહનો અને ઉદ્યોગો દુનિયાના વધતા તાપમાન ને પ્રદુષણ માટે જવાબદાર છે. અમેરિકા તેને દાદાગીરી માટે જાણીતું છે. અગાઉ કૉપનહેગન સમિટ વખતે પણ તેના દ્વારા વિકાસશીલ દેશોને પ્રદુષણ ઘટાડા માટેનાઅ પગલાં લેવાની રીતસરની ધમકી અપાઈ હતી.

Sunday, May 2, 2010

જય જય સ્વર્ણિમ ગુજરાત

ગઈકાલે ગુજરાતની સ્થાપનાના 50 વર્ષ પૂરા થયા. ગુજરાત સહિત સમગ્ર દુનિયાના વસતા ગુજરાતીઓએ આ પાવન અવસરની ઉત્સાહ સાથે ઊજવણી કરી. અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં થયેલા ભવ્યાતિત સમારોહમાં ગુજરાતના ઈતિહાસ અને સંસ્કૃતિના દર્શન થયા. 'ગુજરાતના સીઈઓ' તરીકેની નામના મેળવેલા મુખ્યપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પોતાના વ્યક્તવ્યમાં છેલ્લા 50 વર્ષના તમામ વહીવટકર્તાઓનો ગુજરાતના વિકાસ બદલ આભાર માન્યો. તેમણે ગુજરાતના વિકાસ દ્વારા ભારતની સેવા કરવાનો વિશ્વાસ રજૂ કર્યો. કોંગ્રેસે આ સમારંભથી અળગા રહીને પ્રજાનો સાથ આપવાનો મોકો ગુમાવ્યો. કોંગ્રેસે પોતાના કાર્યક્રમનો રાજકીય અખાડા તરીકે ઉપયોગ કરી ખૂબ ખોટું કર્યુ. હું અને મારા જેવા સમગ્ર વિશ્વમાં વસતાં ગુજ્જુઓ આશા રાખીએ છીએ કે ગુજરાત ભવિષ્યમાં ખૂબ વિકાસ કરે.