તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં દેશભરની પોલીસની કામગીરી અંગે નવો કાયદો પસાર કર્યો છે. ખરેખર આ કોઈ નવો કાયદો નથી પરંતુ પોલીસ પ્રોસિજર કોડમાં કરવામાં આવેલો સુધારો કે ઉમેરો છે. આ સુધારા અનુસાર પોલીસ સાત વર્ષથી ઓછી સજાપાત્ર ગુનાઓ અંગે આરોપીની સીધી ધરપકડ કરી શકશે નહિ. પરંતુ આરોપીને ફક્ત મુદતી નોટિસ પાઠવવાની રહેશે. જો આરોપી આ નોટિસની મુદત પૂરી થતાં સુધીમાં પોલીસ સામે હાજર ન થાય તો જ પોલીસ તેની ધરપકડ કરી શકશે. સાત વર્ષથી ઓછી સજાપાત્ર ગુનાઓમાં સામાન્ય અકસ્માત, ચોરી, લૂંટફાટ, બિનઈરાદાપૂર્ણ હત્યા, શારીરિક કે માનસિક ત્રાસ, શારીરિક છેડતી, બળાત્કાર, પરિણીતા પરના ત્રાસ, દહેજ જેવા ગુનાઓનો સમાવેશ થાય છે. આ સુધારાનો મુખ્ય ઉદ્દેશ પોલીસને તેની સત્તાનો દુરુપયોગ કરતા અટકાવવાનો છે. પોલીસ દ્વારા ખોટા કેસોમાં નિર્દોષોની થતી હેરાનગતિ અટકાવવાનો છે. પરંતુ આ સુધારાના ગેરફાયદા પણ ઘણા બધાં છે. આ સુધારામાં જે ગુનાઓ સામેલ છે તે દેશમાં રોજબરોજ બનતા ગુનાઓ પૈકીના 90 ટકા ગુનાઓ છે. આ સુધારાના અમલથી ગુનેગારો નિર્ભય થઈ જશે. તેમને ગુનાઓ કરતાં પોલીસનો ડર રહેશે નહિ. આજકાલ દેશમાં જ્યારે લોકોનો પોલીસ પ્રત્યેનો વિશ્વાસ ઘટ્યો છે તેમાં આ સુધારાનો અમલ થતાં જનતામાં પોલીસ વધુ અળખામાણી બનશે. કોઈ પણ ચકચારી ગુનો બને ત્યારે લોકો અને મીડિયા દ્વારા પોલીસની કામગીરી પર માછલાં ધોવામાં આવતા હોવાથી પોલીસ પહેલેથી જ ખૂબ દબાણ હેઠળ રહેતી હતી તેમાં તેની કામગીરી વધુ મુશ્કેલ બનશે. આમ આ સુધારો એ દેશની પોલીસનું એન્કાઉન્ટર કરનારો બની રહેશે.
આ બ્લોગમાં દેશના અને સમાજના લોકોને સ્પર્શતા મુદ્દાઓ પરના મારા વિચારો રજૂ કર્યા છે. મને આશા છે કે મારો આ પ્રયાસ આ બ્લોગના વાચકોને જરૂરથી ગમશે.
Sunday, February 8, 2009
Sunday, February 1, 2009
હવે સમય છે જાગવાનો અને કંઈક કરવાનો
મુંબઈમાં આતંકવાદીઓએ કરેલા કરપીણ કારસ્તાનની વોટ બેંકનું રાજકારણ ચલાવતી કેન્દ્ર સરકાર પર તો કશી અસર કરવાનું નથી. પરંતુ હવે દેશની જનતાએ પોતે આત્મખોજ કરવાની જરૂર છે. આપણે એમ વિચારવાનું છે કે આપણે આતંકવાદીઓ સામે આટલા બધા લાચાર કેમ છીએ? બીજા શબ્દોમાં કહું તો છેલ્લા છએક મહિનામાં 60 કરતાં વધુ બૉમ્બધડાકા થાયા તેમ છતાં આપણે આ રીતનો રક્તપાત કેમ સાંખી લઈએ છીએ? ઈઝરાયેલના બે સૈનિકોને કેટલાક સમય પહેલાં હમાસના આતંકવાદીઓએ બાન પકડ્યા ત્યારે ઈઝરાયેલી વિમાનોએ સતત 17 દિવસ સુધી હમાસના અડ્ડાઓ પર બોમ્બમારો ચલાવ્યો. તો આપણે શું કામ ઈંટનો જવાબ પથ્થરથી આપી શકતાં નથી? હાલમાં પણ ઈઝરાયેલના ગાઝા પટ્ટી પર તેમજ શ્રીલંકન સેના દ્વારા પણ એલટીટીઈ સામે કાર્યવાહી ચાલુ છે. જવાબ સાવ સરળ છે. હિન્દુ ધર્મના નામે વર્ષો થયે ભારતીય પ્રજાને સતત એમ શીખવવામાં આવે છે કે અહિંસા પરમો ધર્મ છે. હિંસા કરો તો પાપ લાગે. આ જાતનો બોધ આપણને હિન્દુ ધર્મમાંથી નહિ પરંતુ તેના ખોટા અર્થઘટન દ્વારા મળ્યો છે. આ પ્રકારની ગભરુ માનસિકતા દરેક ભારતીય નાગરિકમાં જોવા મળે છે. અને ત્યાંથી આ માનસિકતા સરકારમાં બેઠેલાઓમાં પ્રવેશે છે. 26/11 પછીના પાકિસ્તાન સાથેના સંઘર્ષમાં ભારત આ જ કારણસર પાછું પડ્યું. અમેરિકા અને ઈઝરાયેલના નેતાઓ તડ ને ફડ કરવાની નીતિ ઘડતાં ગભરાતા નથી ગીતામાં શ્રીકૃષ્ણએ કહ્યું છે કે ધર્મયુધ્ધને ખાતર હિંસા કરતા ક્ષત્રિય માટે સ્વર્ગના દ્વાર ખૂલી જાય છે. આ ઉપરાંત તેમણે કહ્યું છે કે અધર્મનો નાશ કરવા માટે અધર્મનો સહારો પણ લેવો પડે તો તે પાપ નથી. આ ફક્ત હિન્દુ ધર્મની વાત નથી. દરેક ભારતીયને આ વાત લાગુ પડે છે. ધર્મ અને સત્ય બંને એક જ સિક્કાની બે બાજુઓ છે. તેથી સત્યને જીત અપાવવા માટે કંઈ પણ કરવું એ અધર્મ નથી. આવી સાદી વાત પણ આપણા નેતાઓને સમજાતી નથી. 9/11 પછી અમેરિકાએ સમગ્ર વિશ્વના આતંકવાદ સામે યુધ્ધ જાહેર કર્યુ હતુ. ભારતે એવે પારકી પંચાતમાં પડવાની જરૂર નથી તેમ છતાં પીઓકેમાં ચાલતા આતંકવાદી કેમ્પો પર હુમલો કરવો જોઈએ. ભારતે અન્ય વૈકલ્પિક ઉપાયો પર વધુ ધ્યાન આપ્યું. અમેરિકા અને સાઉદી અરેબિયાના દબાણમાં આવીને ભારતના નમાલા નેતાઓએ પીઠ બતાડી દીધી. શ્રી પ્રણવ મુખર્જી કહે છે કે હવે જો આવો હુમલો ફરીથી થશે તો ભારત પાકિસ્તાન પર હુમલો કરશે. એટલે ભારતે બીજો હુમલો ના થાય ત્યાં સુધી આપણે બેસી રહેવાનું. મને એ ખબર નથી પડતી કે ભારતે શું કરવું કે ન કરવું એ વિશે અમેરિકાને કે બીજા કોઈ દેશની વાત કેમ માનવી. અમુક પ્રસંગો કે જેમાં દેશની આનનો સવાલ હોય ત્યાં આ પ્રકારના દબાણો તુચ્છ છે. આપણે પણ ઈરાન, પાકિસ્તાન અને નોર્થ કોરિયાની જેમ નફ્ફ્ટાઈ શીખવી જરૂરી છે. અમેરિકા ઈઝરાયેલને ફુલ ટેકો આપે છે. તેનું મુખ્ય કારણ અમેરિકાના અર્થતંત્રમાં મોટો ભાગ ભજવતા અમેરિકામાં વસતા સમૃધ્ધ યહૂદીઓને કારણે છે. સમગ્ર ચર્ચાનો સાર એ છે કે આપણે અને આપણા દેશનું સંચાલન કરતાં નેતાઓએ જાગવાનું છે અને એવા મજબૂત અને ક્રૂર બનવાની જરુર છે કે ભારતને છંછેડવાની ભૂલ ન કરે. આપણા દેશમાં તો આતંકવાદીઓને પણ પંપાળવામાં આવે છે. આતંકવાદીઓને એવી ભુંડી રીતે મારવા જોઈએ કે તેઓ આ રીતના હિચકારા કૃત્ય કરવાની હિંમત જ ન કરી શકે. પણ આપણા દેશમાં નાગરિકો કરતાં આતંકવાદીઓનો માનવ-હક વધુ છે. જો ભારતને ભવિષ્યમાં અખંડિત રાખવું હોય તો આમ કરવું અનિવાર્ય છે.
Saturday, December 13, 2008
ગુજકોક મંજૂર કરવામાં કેન્દ્રની અડોડાઈ
Saturday, November 22, 2008
મસ્ક્યુલર ડીસ્ટ્રોફી અને હું
આ વાત મારી છે. મારું નામ દેવલ અશ્વિન નકશીવાલા છે. મારી ઉંમર અત્યારે 21 વર્ષ છે. હું અને મારા માતા-પિતા છેલ્લા 15 વર્ષથી મસ્ક્યુલર ડીસ્ટ્રોફી સામે લડી રહ્યા છીએ. હું જ્યારે ચાર વર્ષનો હતો ત્યારે મારા માતા-પિતાને મારા આ રોગ વિશે જાણ થઈ. એ વખતે રમતાં-રમતાં હું ઘણી વાર પડી જતો હતો. આ વાત મારા માતા-પિતાના ધ્યાન પર આવતા તેમણે પીડીયાટ્રીશીયનને આ વિશે વાત કરી. ડોક્ટરે મારા પગના સ્નાયુઓ તપાસી જોયા તો તેમને તે સહેજ કડક લાગ્યા. તેમણે વધુ તપાસઅર્થે મારા સીપીકે તથા એલડીએચ કાઉન્ટ કઢાવવાનું કહ્યું. આ કાઉન્ટ સામાન્ય કરતાં વધુ આવતા તેમજ અન્ય બાહ્ય લક્ષણોને આધારે ડ્યુશન્સ મસ્ક્યુકલર ડીસ્ટ્રોફી રોગ લાગુ પડ્યા વિશે જાણ થઈ. આ રોગ જનીન ખામીના કારણે થતો રોગ છે. તેથી તે રોગ જન્મથી જ શરીરમાં હોય છે. પરંતુ જેમ શરીરનો વિકાસ થાય તેમ તેમ રોગ જોવા મળે છે. આ પ્રકારની સમજ ડોક્ટરશ્રીએ આપી.
આ રોગની સારવાર અંગે મારા માતા-પિતાએ અમદાવાદના ખ્યાતનામ ન્યુરોફીઝીશીયન શ્રી કે. આર. વસાવડા, શ્રી પ્રણવ ખારોડ અને શ્રી અજીત સોવાણીને કન્સલ્ટ કર્યા તથા આ રોગ વિશે તેમના અભિપ્રાય જાણ્યા. તેમણે આ રોગની શરીરમાં કેટલી અસર થઈ છે તે જાણવા તેઓશ્રીએ સીપીકે કાઉન્ટ તથા ઈએમજી જેવા ટેસ્ટ કરાવ્યા. ત્યારબાદ 1995માં અમદાવાદમાં ઈન્ડિયન મસ્ક્યુલર ડીસ્ટ્રોફી સોસાયટીની ડોક્ટરશ્રી જે. જે. મહેતા દ્વારા સ્થાપના થયાનું મારા માતા-પિતાના ધ્યાનમાં આવતાં તેમને કન્સલ્ટ કરી સોસાયટીના સભ્ય બન્યા. અને તેમના માર્ગદર્શન હેઠળ ડોક્ટરશ્રી જી. ડી. રાવલ પાસેથી સારવાર શરૂ કરી. ડોક્ટરોના કહેવા અનુસાર ફીઝીયોથેરાપી દ્વારા રોગની શરીરમાં વૃધ્ધિ ધીમી પાડી શકાય છે. જેના અનુસંધાનમાં 1996 થી 1998 સુધી સિવિલ હોસ્પિટલના ફીઝીયોથેરાપી વિભાગમાં સારવાર લીધી. તે દરમિયાન આયુર્વેદિક ડૉક્ટરશ્રી એમ. એચ બારોટ પાસે પણ સારવાર લીધી. 2002માં સ્ટર્લિંગ હોસ્પિટલમાં મુંબઈના ન્યુરોસર્જન શ્રીસતીશ ખાડીલકરને બતાવ્યું. તેઓશ્રીએ ઈકો ટેસ્ટ તેમજ સ્પાઈન એક્સ-રે કરાવ્યા. 2006માં સિવિલ હોસ્પિટલના કિડની ડીસીઝીઝ એન્ડ રીસર્ચ સેન્ટરમાં એમ્બ્ર્યોનિક સ્ટેમસેલની સારવાર લીધી.
આ રોગની તકલીફ વેઠીને પણ 2008માં મેં મારું ગેજ્યુએશન પૂરુ કર્યુ. આઠમા ધોરણ સુધી મેં શાળામાં જઈને અભ્યાસ કર્યો. ત્યારબાદ નવમાં ધોરણથી એચ.એસ.સી. સુધી ઘેર-બેઠા અભ્યાસ કર્યો. શાળાના સંચાલક-સ્ટાફ તેમજ મારા માતા-પિતા તરફથી મળતા રહેતા સહકારને આધારે એસ.એસ.સી અને એચ.એસ.સી.ની પરીક્ષા ડિસ્ટીંક્શન સાથે પાસ કરી. આ જ રીતે ઘેર-બેઠા અભ્યાસ કરી બી.કોમ.ની પરીક્ષા પાસ કરી.
Sunday, November 2, 2008
માનવાધિકાર સંસ્થાઓનું આતંકવાદીઓ પ્રત્યેનું વલણ
આતંકવાદ પ્રત્યે યુપીએ સરકાર
સમગ્ર ભારતમાં આતંકવાદ અને કોમવાદ તેની સીમાઓ સુધી વકરતા જોવા મળી રહ્યા છે. આ પરિસ્થિતિને ઉકેલવા માટે કડક પગલાં લેવાનું ખૂબ જ જરૂરી છે. કારણ કે આ પ્રકારના પરિબળો તંદુરસ્ત લોકશાહી માટે ખતરા સમાન છે. પરંતુ આવું મહત્વનું કામ છોડી આ દેશના રાજકારણીઓ પોતાની રાજકીય રોટલી શેકવામાં લાગી જાય છે. તેઓ આ પ્રકારના મુદ્દાઓની આડમાં પોતાની રાજકીય કિન્નાખોરી અને અંગત દુશ્મનાવટ પૂરી કરે છે. ખરેખર તો કેન્દ્ર સરકાર તરીકે કોંગ્રેસ પાર્ટી અને યુપીએની સરકાર આતંકવાદ સામે લડવામાં તદ્દન નિષ્ફળ ગઈ છે. એવું નથી કે તેની પાસે યોગ્ય નીતિનો અભાવ છે પરંતુ આવું કરવાની કોંગ્રેસની દાનત જ નથી. પોતાની વૉટબેંક સાચવવામાં અને યુપીએની સહયોગી પાર્ટીઓને ખુશ રાખી સત્તા ટકાવી રાખવામાં જ રસ છે. આ માટે તેઓ દેશની પ્રજાને અશાંતિ અને દુઃખના ખપ્પરમાં હોમી દેતાં પણ અચકાશે નહિ. મને એ ખબર નથી પડતી કે કોંગ્રેસ એવું કેમ માને છે કે આતંકવાદીઓ મોટા ભાગે મુસ્લિમ હોય છે તેથી જો તેમને પકડવામાં નહિ આવે કે છૂટ આપવામાં આવશે તો મુસ્લિમો ખુશ થઈ તેમને વૉટ આપશે. શું ભારતના મુસ્લિમો આ નેતાઓ જેટલા જ નફ્ફટ અને નમાલા છે કે આ પ્રકારના પગલાંથી ખુશ થાય? ખરેખર તો દેશના મુસ્લિમો માટે અપમાનજનક છે. આ તેમની દેશદાઝ પર તરાપ છે. આ સ્થિતિ સુધારવા તેમણે આગળ આવવું પડશે અને આવા તત્વો પર પોતાનો કિમતી વોટ વેડફવો જોઈએ નહિ. કોંગ્રેસ પોતાની આ જ વૉટબેંક આધારિત રાજનીતિને સફળ બનાવવા દેશ માટે જોખમી નીવડે તેવા પગલાં લઈ રહી છે. અમદાવાદમાં થયેલા બ્લાસ્ટ બાદ કેન્દ્ર સરકારને વારંવાર ગુજરાત સરકાર દ્વારા ગુજકોક કાયદાને મંજૂરી આપવાનું કહેવા છતાં આ બાબતસર સરકાર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં આવતા નથી. આ કાયદાને આધારે પકડાયેલા આતંકવાદીઓને તાત્કાલિક બિન-જામીનપાત્ર સજા આપી શકાય છે. પરંતુ કોંગ્રેસને તો આતંકવાદીઓને છાવરવામાં રસ છે. કોંગ્રેસની દરેક નીતિના મૂળમાં વૉટબેંક આધારિત અને યુપીએના સાથી પક્ષોને ખુશ રાખવાનું વલણ સ્પષ્ટ જોવા મળે છે. આના જ અનુસંધાનમાં એડીએમકેના શ્રી કરુણાનિધિને ખુશ કરવા માટે ઘાટ કરતાં ઘડામણ મોંઘુ જેવી સેતુસમુદ્રમ યોજના પાર પાડવાના ઘણા ધમપછાડા કર્યા છે. સત્તા માટે કોંગ્રેસ એટલી લાલચુ છે કે તે માટે ગમે તેવા જોખમી પગલાં લેવા તૈયાર છે. સરકાર રચવા માટે ગુનાખોરી અને ગુંડાગીરીનો ઈતિહાસ ધરાવતી પાર્ટીઓનો ટેકો લીધો હતો. લેફ્ટનો ટેકો ખસી જતાં સત્તા ટકાવવા કટ્ટર દુશ્મન સમાજવાદી પાર્ટીનો ટેકો સ્વીકાર્યો. એ જ એસપીના અમરસિંહે આ પહેલા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર વ્યક્તિગત ટિપ્પણીઓ અને ખરાબ શબ્દોનો વારંવાર ઉપયોગ કર્યો હતો. આ કોંગ્રેસે જ યુપીએની સરકાર બન્યાની ખુશાલીમાં રાખેલ ઉજવણીમાં વિના આમંત્રણે પહોંચેલા અમરસિંહને ભાવ પણ પૂછ્યો ન હતો. પરંતુ પરમાણુ કરાર મુદ્દે જ્યારે એસપીએ ટેકો આપ્યો તો એ વખતેની ઉજવણીમાં અમરસિંહને આવકારવા માટે શ્રી મનમોહન સિંહ જમતાં જમતાં ઊભા થયા હતા.