Sunday, March 15, 2009

ગોધરાકાંડ - સમગ્ર દેશ સામે ગાળ સમાન

સાત વર્ષ વીતી ગયા હોવા છતાં ગોધરા ટ્રેનકાંડ અને ત્યાર પછીના કોમી રમખાણો એ દેશના ઘણા બધા લોકો માટેનો પ્રિય વિષય છે. જે લોકો તેનો  ભોગ બન્યા છે તે લોકો તેને ભુલવા પ્રયત્ન કરી રહ્યા છે. તેમ છતાં અમુક પરિબળોને તેમના ઘા તાજા રાખવામાં વધુ આનંદ આવે છે. વિવિધ કહેવાતા બિનસાંપ્રદાયિક રાજકીય પક્ષો, મિડીયા અને એનજીઓ દ્વારા આ મામલો જરૂર કરતાં વધુ ચગાવવામાં આવ્યો છે. આ  બનાવમાં જે લોકો દોષિત છે તેમને કાયદો વહેલો કે મોડો સજા આપવાનો જ છે. તેમ છતાં આ  મામલે અમુક પ્રકારનો અપપ્રચાર કરીને મામલાને વધુ જટિલ બનાવવા પ્રયાસ સાત-સાત  વર્ષોથી કરવામાં આવી રહ્યા છે. જે થયું એ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ બનાવ હતો તેમ છતાં  કોઈ એક જ પક્ષની વકીલાત કરી ગુંચવણ ઊભી કરવાથી કોઈ નીવેડો આવવાનો નથી. આ મામલાના અનુસંધાનમાં કેટલીક નક્કર હકીકતો પર પ્રકાશ પાડવો જરૂરી છે. હું કોઈ ચોક્ક્સ  જાતિ-વિરોધી નથી કે જે થયું તે સારું થયું એમ કહેવાનો પણ મારો કોઈ ઈરાદો નથી. તેમ  છતાં કહેવું અગત્યનું છે કે ટ્રેન સળગાવવાની ઘટના એટલે કે એક્શન થઈ તેના રીએક્શન  તરીકે સમગ્ર દેશમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા. આ ખરેખર એક સુનિયોજિત કાવતરું હતું.  એક આતંકવાદી કૃત્ય હતું. એ વાત જુદી છે કે આ કેસના આરોપીઓ સામે પોટા કાયદો  લગાવવામાં આવ્યો નથી. ભારતની અંદરના કે બહારના લોકો દ્વારા હિન્દુ અને મુસ્લિમોને  લડાવવા માટેની ચિનગારી સળગાવવાનો પ્રયાસ હતો. જેમાં અમુક પરિબળોએ આગમાં ઘીનું કામ કર્યુ જે મોટા ભડકામાં પરિણમી. આ સમગ્ર મામલાની અમુક ચોક્ક્સ બાબતોને ખૂબ જ લાઈમલાઈટ અને મહત્વ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જ્યારે કેટલીક વધુ મહત્વની બાબતોને આયોજનપૂર્વક દબાઈ દેવાઈ છે. આ મામલો ગુજરાત અને સમગ્ર દેશ માટે કલંક સમાન છે. પરંતુ ભારતમાં અનેક આ પ્રકારના કોમી રમખાણોમાં બંને કોમના લોકોના સેંકડો હત્યાકાંડ સર્જાયા છે તો તે અંગે પણ પૂરતી તપાસ થવી  જોઈએ. 

 

No comments: