Tuesday, February 16, 2010

બરાક ઓબામા – ગાજ્યા મેઘ વરસ્યા નહિ

બરાક ઓબામા જ્યારે રાષ્ટ્રપતિની ચૂંટણીની ઉમેદવારીની રેસમાં હતા ત્યારે તેઓ અમેરિકા અને સમગ્ર દુનિયામાં નોંધપાત્ર પરિવર્તન લાવનારા તરીકે પ્રોજેક્ટ થયા હતા. આપણા દેશમાં પણ મીડિયા અને અમુક કહેવાતાં બુધ્ધિજીવીઓ તો ઓબામા જાણે ભારતના પ્રમુખ બનવાના હોય એવા હરખપદુડા બન્યા હતા. તેઓના પ્રમુખ બનતાની સાથે જ તેમની પર અમેરિકાના ઈતિહાસના સૌથી મોટા આર્થિક સંકટ દૂર કરવાની જવાબદારી આવી પડી હતી. અને અમેરિકાની પ્રજાએ તેમની પાસે હદ બહારની અપેક્ષા રાખી હતી. શરુઆતમાં તેમની નીતિઓની અમેરિકા અને સમગ્ર વિશ્વમાં પ્રશંસા થઈ. પરંતુ સમય જતાંની સાથે સાથે તેમની નિષ્ફળતાઓ ઉડીને દેખાવા લાગી. આજે આર્થિક મંદી હોય કે આતંકવાદની સમસ્યા એમ દરેક મોરચે તેમની નિષ્ફળતા દેખાઈ રહી છે. એમાં પણ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના મુદ્દેની અણઘડ નીતિને કારણે ભારતની મુશ્કેલીઓ વધારી છે. આતંકવાદના મુદ્દે પણ પક્ષપાતની નીતિ રહી છે. અફઘાનિસ્તાનમાં અલ-કાયદાના સફાયા માટે પકિસ્તાનને ફરજ પડાઈ રહી છે અને બીજી બાજુ કાશ્મીરમાંના લશ્કર-એ-તોઈબાના આતંકવાદીઓના મુદ્દે ચૂપ રહે છે, તેમની નીતિ દૂધ અને દહીં બંનેમાં પગ રાખવાની છે તે વિશ્વને સમજાઈ ચૂક્યું છે. મધ્ય એશિયામાં જઈ ઈસ્લામની પ્રશંસા કરી આવ્યા તો ચીનના પ્રવાસે જઈ ત્યાં ખુશ કરી આવ્યા. પાકિસ્તાન મુદ્દે ભારતને ખોટી રીતે ફોસલાવતા રહ્યા છે. પાકિસ્તાનને છૂટા હાથે આર્થિક મદદ કરી આપણી મુશ્કેલી વધારી છે. આથી જ તેમની લોકપ્રિયતાનો ગ્રાફ સતત ઘટતો રહ્યો છે.

No comments: