Sunday, February 1, 2009

હવે સમય છે જાગવાનો અને કંઈક કરવાનો

મુંબઈમાં આતંકવાદીઓએ કરેલા કરપીણ કારસ્તાનની વોટ બેંકનું રાજકારણ ચલાવતી કેન્દ્ર સરકાર પર તો કશી અસર કરવાનું નથી. પરંતુ હવે દેશની જનતાએ પોતે આત્મખોજ કરવાની જરૂર છે. આપણે એમ વિચારવાનું છે કે આપણે આતંકવાદીઓ સામે આટલા બધા લાચાર કેમ છીએ? બીજા શબ્દોમાં કહું તો છેલ્લા છએક મહિનામાં 60 કરતાં વધુ બૉમ્બધડાકા થાયા તેમ છતાં આપણે આ રીતનો રક્તપાત કેમ સાંખી લઈએ છીએ? ઈઝરાયેલના બે સૈનિકોને કેટલાક સમય પહેલાં હમાસના આતંકવાદીઓએ બાન પકડ્યા ત્યારે ઈઝરાયેલી વિમાનોએ સતત 17 દિવસ સુધી હમાસના અડ્ડાઓ પર બોમ્બમારો ચલાવ્યો. તો આપણે શું કામ ઈંટનો જવાબ પથ્થરથી આપી શકતાં નથી? હાલમાં પણ ઈઝરાયેલના ગાઝા પટ્ટી પર તેમજ શ્રીલંકન સેના દ્વારા પણ એલટીટીઈ સામે કાર્યવાહી ચાલુ છે. જવાબ સાવ સરળ છે. હિન્દુ ધર્મના નામે વર્ષો થયે ભારતીય પ્રજાને સતત એમ શીખવવામાં આવે છે કે અહિંસા પરમો ધર્મ છે. હિંસા કરો તો પાપ લાગે. આ જાતનો બોધ આપણને હિન્દુ ધર્મમાંથી નહિ પરંતુ તેના ખોટા અર્થઘટન દ્વારા મળ્યો છે. આ પ્રકારની ગભરુ માનસિકતા દરેક ભારતીય નાગરિકમાં જોવા મળે છે. અને ત્યાંથી આ માનસિકતા સરકારમાં બેઠેલાઓમાં પ્રવેશે છે. 26/11 પછીના પાકિસ્તાન સાથેના સંઘર્ષમાં ભારત આ જ કારણસર પાછું પડ્યું. અમેરિકા અને ઈઝરાયેલના નેતાઓ તડ ને ફડ કરવાની નીતિ ઘડતાં ગભરાતા નથી ગીતામાં શ્રીકૃષ્ણએ કહ્યું છે કે ધર્મયુધ્ધને ખાતર હિંસા કરતા ક્ષત્રિય માટે સ્વર્ગના દ્વાર ખૂલી જાય છે. આ ઉપરાંત તેમણે કહ્યું છે કે અધર્મનો નાશ કરવા માટે અધર્મનો સહારો પણ લેવો પડે તો તે પાપ નથી. આ ફક્ત હિન્દુ ધર્મની વાત નથી. દરેક ભારતીયને આ વાત લાગુ પડે છે. ધર્મ અને સત્ય બંને એક જ સિક્કાની બે બાજુઓ છે. તેથી સત્યને જીત અપાવવા માટે કંઈ પણ કરવું એ અધર્મ નથી. આવી સાદી વાત પણ આપણા નેતાઓને સમજાતી નથી. 9/11 પછી અમેરિકાએ સમગ્ર વિશ્વના આતંકવાદ સામે યુધ્ધ જાહેર કર્યુ હતુ. ભારતે એવે પારકી પંચાતમાં પડવાની જરૂર નથી તેમ છતાં પીઓકેમાં ચાલતા આતંકવાદી કેમ્પો પર હુમલો કરવો જોઈએ. ભારતે અન્ય વૈકલ્પિક ઉપાયો પર વધુ ધ્યાન આપ્યું. અમેરિકા અને સાઉદી અરેબિયાના દબાણમાં આવીને ભારતના નમાલા નેતાઓએ પીઠ બતાડી દીધી. શ્રી પ્રણવ મુખર્જી કહે છે કે હવે જો આવો હુમલો ફરીથી થશે તો ભારત પાકિસ્તાન પર હુમલો કરશે. એટલે ભારતે બીજો હુમલો ના થાય ત્યાં સુધી આપણે બેસી રહેવાનું. મને એ ખબર નથી પડતી કે ભારતે શું કરવું કે ન કરવું એ વિશે અમેરિકાને કે બીજા કોઈ દેશની વાત કેમ માનવી. અમુક પ્રસંગો કે જેમાં દેશની આનનો સવાલ હોય ત્યાં આ પ્રકારના દબાણો તુચ્છ છે. આપણે પણ ઈરાન, પાકિસ્તાન અને નોર્થ કોરિયાની જેમ નફ્ફ્ટાઈ શીખવી જરૂરી છે. અમેરિકા ઈઝરાયેલને ફુલ ટેકો આપે છે. તેનું મુખ્ય કારણ અમેરિકાના અર્થતંત્રમાં મોટો ભાગ ભજવતા અમેરિકામાં વસતા સમૃધ્ધ યહૂદીઓને કારણે છે. સમગ્ર ચર્ચાનો સાર એ છે કે આપણે અને આપણા દેશનું સંચાલન કરતાં નેતાઓએ જાગવાનું છે અને એવા મજબૂત અને ક્રૂર બનવાની જરુર છે કે ભારતને છંછેડવાની ભૂલ ન કરે. આપણા દેશમાં તો આતંકવાદીઓને પણ પંપાળવામાં આવે છે. આતંકવાદીઓને એવી ભુંડી રીતે મારવા જોઈએ કે તેઓ આ રીતના હિચકારા કૃત્ય કરવાની હિંમત જ ન કરી શકે. પણ આપણા દેશમાં નાગરિકો કરતાં આતંકવાદીઓનો માનવ-હક વધુ છે. જો ભારતને ભવિષ્યમાં અખંડિત રાખવું હોય તો આમ કરવું અનિવાર્ય છે.

No comments: