તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં દેશભરની પોલીસની કામગીરી અંગે નવો કાયદો પસાર કર્યો છે. ખરેખર આ કોઈ નવો કાયદો નથી પરંતુ પોલીસ પ્રોસિજર કોડમાં કરવામાં આવેલો સુધારો કે ઉમેરો છે. આ સુધારા અનુસાર પોલીસ સાત વર્ષથી ઓછી સજાપાત્ર ગુનાઓ અંગે આરોપીની સીધી ધરપકડ કરી શકશે નહિ. પરંતુ આરોપીને ફક્ત મુદતી નોટિસ પાઠવવાની રહેશે. જો આરોપી આ નોટિસની મુદત પૂરી થતાં સુધીમાં પોલીસ સામે હાજર ન થાય તો જ પોલીસ તેની ધરપકડ કરી શકશે. સાત વર્ષથી ઓછી સજાપાત્ર ગુનાઓમાં સામાન્ય અકસ્માત, ચોરી, લૂંટફાટ, બિનઈરાદાપૂર્ણ હત્યા, શારીરિક કે માનસિક ત્રાસ, શારીરિક છેડતી, બળાત્કાર, પરિણીતા પરના ત્રાસ, દહેજ જેવા ગુનાઓનો સમાવેશ થાય છે. આ સુધારાનો મુખ્ય ઉદ્દેશ પોલીસને તેની સત્તાનો દુરુપયોગ કરતા અટકાવવાનો છે. પોલીસ દ્વારા ખોટા કેસોમાં નિર્દોષોની થતી હેરાનગતિ અટકાવવાનો છે. પરંતુ આ સુધારાના ગેરફાયદા પણ ઘણા બધાં છે. આ સુધારામાં જે ગુનાઓ સામેલ છે તે દેશમાં રોજબરોજ બનતા ગુનાઓ પૈકીના 90 ટકા ગુનાઓ છે. આ સુધારાના અમલથી ગુનેગારો નિર્ભય થઈ જશે. તેમને ગુનાઓ કરતાં પોલીસનો ડર રહેશે નહિ. આજકાલ દેશમાં જ્યારે લોકોનો પોલીસ પ્રત્યેનો વિશ્વાસ ઘટ્યો છે તેમાં આ સુધારાનો અમલ થતાં જનતામાં પોલીસ વધુ અળખામાણી બનશે. કોઈ પણ ચકચારી ગુનો બને ત્યારે લોકો અને મીડિયા દ્વારા પોલીસની કામગીરી પર માછલાં ધોવામાં આવતા હોવાથી પોલીસ પહેલેથી જ ખૂબ દબાણ હેઠળ રહેતી હતી તેમાં તેની કામગીરી વધુ મુશ્કેલ બનશે. આમ આ સુધારો એ દેશની પોલીસનું એન્કાઉન્ટર કરનારો બની રહેશે.
No comments:
Post a Comment