આ બ્લોગમાં દેશના અને સમાજના લોકોને સ્પર્શતા મુદ્દાઓ પરના મારા વિચારો રજૂ કર્યા છે. મને આશા છે કે મારો આ પ્રયાસ આ બ્લોગના વાચકોને જરૂરથી ગમશે.
Saturday, December 13, 2008
ગુજકોક મંજૂર કરવામાં કેન્દ્રની અડોડાઈ
Saturday, November 22, 2008
મસ્ક્યુલર ડીસ્ટ્રોફી અને હું
આ વાત મારી છે. મારું નામ દેવલ અશ્વિન નકશીવાલા છે. મારી ઉંમર અત્યારે 21 વર્ષ છે. હું અને મારા માતા-પિતા છેલ્લા 15 વર્ષથી મસ્ક્યુલર ડીસ્ટ્રોફી સામે લડી રહ્યા છીએ. હું જ્યારે ચાર વર્ષનો હતો ત્યારે મારા માતા-પિતાને મારા આ રોગ વિશે જાણ થઈ. એ વખતે રમતાં-રમતાં હું ઘણી વાર પડી જતો હતો. આ વાત મારા માતા-પિતાના ધ્યાન પર આવતા તેમણે પીડીયાટ્રીશીયનને આ વિશે વાત કરી. ડોક્ટરે મારા પગના સ્નાયુઓ તપાસી જોયા તો તેમને તે સહેજ કડક લાગ્યા. તેમણે વધુ તપાસઅર્થે મારા સીપીકે તથા એલડીએચ કાઉન્ટ કઢાવવાનું કહ્યું. આ કાઉન્ટ સામાન્ય કરતાં વધુ આવતા તેમજ અન્ય બાહ્ય લક્ષણોને આધારે ડ્યુશન્સ મસ્ક્યુકલર ડીસ્ટ્રોફી રોગ લાગુ પડ્યા વિશે જાણ થઈ. આ રોગ જનીન ખામીના કારણે થતો રોગ છે. તેથી તે રોગ જન્મથી જ શરીરમાં હોય છે. પરંતુ જેમ શરીરનો વિકાસ થાય તેમ તેમ રોગ જોવા મળે છે. આ પ્રકારની સમજ ડોક્ટરશ્રીએ આપી.
આ રોગની સારવાર અંગે મારા માતા-પિતાએ અમદાવાદના ખ્યાતનામ ન્યુરોફીઝીશીયન શ્રી કે. આર. વસાવડા, શ્રી પ્રણવ ખારોડ અને શ્રી અજીત સોવાણીને કન્સલ્ટ કર્યા તથા આ રોગ વિશે તેમના અભિપ્રાય જાણ્યા. તેમણે આ રોગની શરીરમાં કેટલી અસર થઈ છે તે જાણવા તેઓશ્રીએ સીપીકે કાઉન્ટ તથા ઈએમજી જેવા ટેસ્ટ કરાવ્યા. ત્યારબાદ 1995માં અમદાવાદમાં ઈન્ડિયન મસ્ક્યુલર ડીસ્ટ્રોફી સોસાયટીની ડોક્ટરશ્રી જે. જે. મહેતા દ્વારા સ્થાપના થયાનું મારા માતા-પિતાના ધ્યાનમાં આવતાં તેમને કન્સલ્ટ કરી સોસાયટીના સભ્ય બન્યા. અને તેમના માર્ગદર્શન હેઠળ ડોક્ટરશ્રી જી. ડી. રાવલ પાસેથી સારવાર શરૂ કરી. ડોક્ટરોના કહેવા અનુસાર ફીઝીયોથેરાપી દ્વારા રોગની શરીરમાં વૃધ્ધિ ધીમી પાડી શકાય છે. જેના અનુસંધાનમાં 1996 થી 1998 સુધી સિવિલ હોસ્પિટલના ફીઝીયોથેરાપી વિભાગમાં સારવાર લીધી. તે દરમિયાન આયુર્વેદિક ડૉક્ટરશ્રી એમ. એચ બારોટ પાસે પણ સારવાર લીધી. 2002માં સ્ટર્લિંગ હોસ્પિટલમાં મુંબઈના ન્યુરોસર્જન શ્રીસતીશ ખાડીલકરને બતાવ્યું. તેઓશ્રીએ ઈકો ટેસ્ટ તેમજ સ્પાઈન એક્સ-રે કરાવ્યા. 2006માં સિવિલ હોસ્પિટલના કિડની ડીસીઝીઝ એન્ડ રીસર્ચ સેન્ટરમાં એમ્બ્ર્યોનિક સ્ટેમસેલની સારવાર લીધી.
આ રોગની તકલીફ વેઠીને પણ 2008માં મેં મારું ગેજ્યુએશન પૂરુ કર્યુ. આઠમા ધોરણ સુધી મેં શાળામાં જઈને અભ્યાસ કર્યો. ત્યારબાદ નવમાં ધોરણથી એચ.એસ.સી. સુધી ઘેર-બેઠા અભ્યાસ કર્યો. શાળાના સંચાલક-સ્ટાફ તેમજ મારા માતા-પિતા તરફથી મળતા રહેતા સહકારને આધારે એસ.એસ.સી અને એચ.એસ.સી.ની પરીક્ષા ડિસ્ટીંક્શન સાથે પાસ કરી. આ જ રીતે ઘેર-બેઠા અભ્યાસ કરી બી.કોમ.ની પરીક્ષા પાસ કરી.
Sunday, November 2, 2008
માનવાધિકાર સંસ્થાઓનું આતંકવાદીઓ પ્રત્યેનું વલણ
આતંકવાદ પ્રત્યે યુપીએ સરકાર
સમગ્ર ભારતમાં આતંકવાદ અને કોમવાદ તેની સીમાઓ સુધી વકરતા જોવા મળી રહ્યા છે. આ પરિસ્થિતિને ઉકેલવા માટે કડક પગલાં લેવાનું ખૂબ જ જરૂરી છે. કારણ કે આ પ્રકારના પરિબળો તંદુરસ્ત લોકશાહી માટે ખતરા સમાન છે. પરંતુ આવું મહત્વનું કામ છોડી આ દેશના રાજકારણીઓ પોતાની રાજકીય રોટલી શેકવામાં લાગી જાય છે. તેઓ આ પ્રકારના મુદ્દાઓની આડમાં પોતાની રાજકીય કિન્નાખોરી અને અંગત દુશ્મનાવટ પૂરી કરે છે. ખરેખર તો કેન્દ્ર સરકાર તરીકે કોંગ્રેસ પાર્ટી અને યુપીએની સરકાર આતંકવાદ સામે લડવામાં તદ્દન નિષ્ફળ ગઈ છે. એવું નથી કે તેની પાસે યોગ્ય નીતિનો અભાવ છે પરંતુ આવું કરવાની કોંગ્રેસની દાનત જ નથી. પોતાની વૉટબેંક સાચવવામાં અને યુપીએની સહયોગી પાર્ટીઓને ખુશ રાખી સત્તા ટકાવી રાખવામાં જ રસ છે. આ માટે તેઓ દેશની પ્રજાને અશાંતિ અને દુઃખના ખપ્પરમાં હોમી દેતાં પણ અચકાશે નહિ. મને એ ખબર નથી પડતી કે કોંગ્રેસ એવું કેમ માને છે કે આતંકવાદીઓ મોટા ભાગે મુસ્લિમ હોય છે તેથી જો તેમને પકડવામાં નહિ આવે કે છૂટ આપવામાં આવશે તો મુસ્લિમો ખુશ થઈ તેમને વૉટ આપશે. શું ભારતના મુસ્લિમો આ નેતાઓ જેટલા જ નફ્ફટ અને નમાલા છે કે આ પ્રકારના પગલાંથી ખુશ થાય? ખરેખર તો દેશના મુસ્લિમો માટે અપમાનજનક છે. આ તેમની દેશદાઝ પર તરાપ છે. આ સ્થિતિ સુધારવા તેમણે આગળ આવવું પડશે અને આવા તત્વો પર પોતાનો કિમતી વોટ વેડફવો જોઈએ નહિ. કોંગ્રેસ પોતાની આ જ વૉટબેંક આધારિત રાજનીતિને સફળ બનાવવા દેશ માટે જોખમી નીવડે તેવા પગલાં લઈ રહી છે. અમદાવાદમાં થયેલા બ્લાસ્ટ બાદ કેન્દ્ર સરકારને વારંવાર ગુજરાત સરકાર દ્વારા ગુજકોક કાયદાને મંજૂરી આપવાનું કહેવા છતાં આ બાબતસર સરકાર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં આવતા નથી. આ કાયદાને આધારે પકડાયેલા આતંકવાદીઓને તાત્કાલિક બિન-જામીનપાત્ર સજા આપી શકાય છે. પરંતુ કોંગ્રેસને તો આતંકવાદીઓને છાવરવામાં રસ છે. કોંગ્રેસની દરેક નીતિના મૂળમાં વૉટબેંક આધારિત અને યુપીએના સાથી પક્ષોને ખુશ રાખવાનું વલણ સ્પષ્ટ જોવા મળે છે. આના જ અનુસંધાનમાં એડીએમકેના શ્રી કરુણાનિધિને ખુશ કરવા માટે ઘાટ કરતાં ઘડામણ મોંઘુ જેવી સેતુસમુદ્રમ યોજના પાર પાડવાના ઘણા ધમપછાડા કર્યા છે. સત્તા માટે કોંગ્રેસ એટલી લાલચુ છે કે તે માટે ગમે તેવા જોખમી પગલાં લેવા તૈયાર છે. સરકાર રચવા માટે ગુનાખોરી અને ગુંડાગીરીનો ઈતિહાસ ધરાવતી પાર્ટીઓનો ટેકો લીધો હતો. લેફ્ટનો ટેકો ખસી જતાં સત્તા ટકાવવા કટ્ટર દુશ્મન સમાજવાદી પાર્ટીનો ટેકો સ્વીકાર્યો. એ જ એસપીના અમરસિંહે આ પહેલા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર વ્યક્તિગત ટિપ્પણીઓ અને ખરાબ શબ્દોનો વારંવાર ઉપયોગ કર્યો હતો. આ કોંગ્રેસે જ યુપીએની સરકાર બન્યાની ખુશાલીમાં રાખેલ ઉજવણીમાં વિના આમંત્રણે પહોંચેલા અમરસિંહને ભાવ પણ પૂછ્યો ન હતો. પરંતુ પરમાણુ કરાર મુદ્દે જ્યારે એસપીએ ટેકો આપ્યો તો એ વખતેની ઉજવણીમાં અમરસિંહને આવકારવા માટે શ્રી મનમોહન સિંહ જમતાં જમતાં ઊભા થયા હતા.