Sunday, November 2, 2008

આતંકવાદ પ્રત્યે યુપીએ સરકાર

સમગ્ર ભારતમાં આતંકવાદ અને કોમવાદ તેની સીમાઓ સુધી વકરતા જોવા મળી રહ્યા છે. આ પરિસ્થિતિને ઉકેલવા માટે કડક પગલાં લેવાનું ખૂબ જ જરૂરી છે. કારણ કે આ પ્રકારના પરિબળો તંદુરસ્ત લોકશાહી માટે ખતરા સમાન છે. પરંતુ આવું મહત્વનું કામ છોડી આ દેશના રાજકારણીઓ પોતાની રાજકીય રોટલી શેકવામાં લાગી જાય છે. તેઓ આ પ્રકારના મુદ્દાઓની આડમાં પોતાની રાજકીય કિન્નાખોરી અને અંગત દુશ્મનાવટ પૂરી કરે છે. ખરેખર તો કેન્દ્ર સરકાર તરીકે કોંગ્રેસ પાર્ટી અને યુપીએની સરકાર આતંકવાદ સામે લડવામાં તદ્દન નિષ્ફળ ગઈ છે. એવું નથી કે તેની પાસે યોગ્ય નીતિનો અભાવ છે પરંતુ આવું કરવાની કોંગ્રેસની દાનત જ નથી. પોતાની વૉટબેંક સાચવવામાં અને યુપીએની સહયોગી પાર્ટીઓને ખુશ રાખી સત્તા ટકાવી રાખવામાં જ રસ છે. આ માટે તેઓ દેશની પ્રજાને અશાંતિ અને દુઃખના ખપ્પરમાં હોમી દેતાં પણ અચકાશે નહિ. મને એ ખબર નથી પડતી કે કોંગ્રેસ એવું કેમ માને છે કે આતંકવાદીઓ મોટા ભાગે મુસ્લિમ હોય છે તેથી જો તેમને પકડવામાં નહિ આવે કે છૂટ આપવામાં આવશે તો મુસ્લિમો ખુશ થઈ તેમને વૉટ આપશે. શું ભારતના મુસ્લિમો આ નેતાઓ જેટલા જ નફ્ફટ અને નમાલા છે કે આ પ્રકારના પગલાંથી ખુશ થાય? ખરેખર તો દેશના મુસ્લિમો માટે અપમાનજનક છે. આ તેમની દેશદાઝ પર તરાપ છે. આ સ્થિતિ સુધારવા તેમણે આગળ આવવું પડશે અને આવા તત્વો પર પોતાનો કિમતી વોટ વેડફવો જોઈએ નહિ. કોંગ્રેસ પોતાની આ જ વૉટબેંક આધારિત રાજનીતિને સફળ બનાવવા દેશ માટે જોખમી નીવડે તેવા પગલાં લઈ રહી છે. અમદાવાદમાં થયેલા બ્લાસ્ટ બાદ કેન્દ્ર સરકારને વારંવાર ગુજરાત સરકાર દ્વારા ગુજકોક કાયદાને મંજૂરી આપવાનું કહેવા છતાં આ બાબતસર સરકાર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં આવતા નથી. આ કાયદાને આધારે પકડાયેલા આતંકવાદીઓને તાત્કાલિક બિન-જામીનપાત્ર સજા આપી શકાય છે. પરંતુ કોંગ્રેસને તો આતંકવાદીઓને છાવરવામાં રસ છે. કોંગ્રેસની દરેક નીતિના મૂળમાં વૉટબેંક આધારિત અને યુપીએના સાથી પક્ષોને ખુશ રાખવાનું વલણ સ્પષ્ટ જોવા મળે છે. આના જ અનુસંધાનમાં એડીએમકેના શ્રી કરુણાનિધિને ખુશ કરવા માટે ઘાટ કરતાં ઘડામણ મોંઘુ જેવી સેતુસમુદ્રમ યોજના પાર પાડવાના ઘણા ધમપછાડા કર્યા છે. સત્તા માટે કોંગ્રેસ એટલી લાલચુ છે કે તે માટે ગમે તેવા જોખમી પગલાં લેવા તૈયાર છે. સરકાર રચવા માટે ગુનાખોરી અને ગુંડાગીરીનો ઈતિહાસ ધરાવતી પાર્ટીઓનો ટેકો લીધો હતો. લેફ્ટનો ટેકો ખસી જતાં સત્તા ટકાવવા કટ્ટર દુશ્મન સમાજવાદી પાર્ટીનો ટેકો સ્વીકાર્યો. એ જ એસપીના અમરસિંહે આ પહેલા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર વ્યક્તિગત ટિપ્પણીઓ અને ખરાબ શબ્દોનો વારંવાર ઉપયોગ કર્યો હતો. આ કોંગ્રેસે જ યુપીએની સરકાર બન્યાની ખુશાલીમાં રાખેલ ઉજવણીમાં વિના આમંત્રણે પહોંચેલા અમરસિંહને ભાવ પણ પૂછ્યો ન હતો. પરંતુ પરમાણુ કરાર મુદ્દે જ્યારે એસપીએ ટેકો આપ્યો તો એ વખતેની ઉજવણીમાં અમરસિંહને આવકારવા માટે શ્રી મનમોહન સિંહ જમતાં જમતાં ઊભા થયા હતા. 

No comments: