Sunday, March 29, 2009

ભાજપને ભાંડતા પહેલાં પોતાને જોવે કોંગ્રેસ

25મી માર્ચના રોજ કોંગ્રેસે લોકસભાની ચૂંટણી અંગેનો પોતાનો ઢંઢેરો પ્રકાશિત કર્યો. આ વખતે યોજાયેલી પત્રકાર પરિષદમાં જવાબ આપતી વખતે શ્રી મનમોહનસિંહે અડવાણી પર આકરા પ્રહારો કર્યા. પોતાને નબળા વડાપ્રધાન તરીકેના મેણાંનો જવાબ આપતી વખતે મનમોહનસિંહે અડવાણીના ટ્રેકરેકોર્ડ પર નજર નાખવા જણાવ્યું. આ માટે તેમણે સંસદ પરના હુમલા, 2002ના ગુજરાતના હુલ્લ્ડ અને કંદહાર ખાતેના ઈન્ડિયન એરલાઈન્સના વિમાનના અપહરણના બનાવો વખતે અડવાણીની ભૂમિકા નબળી હોવાનું કહ્યું. બીજા દિવસે એટલે કે 26મી માર્ચે પોંડિચેરીમાં રાહુલ ગાંધીએ પણ કંદહાર વિમાન અપહરણ મુદ્દે તત્કાલીન સરકારની નબળાઈ ગણાવી.. 25મી તારીખે જ જ્યોતિદારિત્ય સિધિંયા એ કહ્યું હતું કે કોગ્રેસ આ પ્રકારના બનાવોનો આધાર લઈ રાજનીતિ કરતી નથી. અને આ જ મુદ્દે વડાપ્રધાન અને કોંગ્રેસના મહામંત્રી જુદું જ મંતવ્ય ધરાવે છે. જે હોય તે પણ હું તેમના આ જ નિવેદનોનું સત્ય હકીકતો અને તે વખતેની પરિસ્થિતિના આધારે ખંડન કરવા માંગુ છું. સંસદ પર હુમલો થયો એ દેશની સરકાર માટે નિષ્ફળતા હતી. તેમ છતાં સંસદ પરના હુમલાના આરોપી અફઝલ ગુરુની ફાંસીની સજા અંગે રાજકારણ ખેલનાર કોંગ્રેસની જ સરકાર હતી. 2002ના ગુજરાતના હુલ્લ્ડ દેશ માટે શરમજનક છે તેમ છતાં કોંગ્રેસે 1984ના શીખ-વિરોધી હુલ્લડોમાં આ જ કર્યુ હતું અને તે આધારે જ સત્તા મેળવી હતી. ઈન્ડિયન એરલાઈન્સના વિમાન આઈસી-184નું જ્યારે અપહરણ કરવામાં આવ્યું ત્યારે તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આ મુસીબત સામે કડક રીતે લડવાનું નક્કી કર્યુ હતું. આતંકવાદીઓએ જ્યારે વિમાનના મુસાફરોની મુક્તિના બદલામાં ભારતની જેલમાં કેદ આતંકવાદીઓને છોડવાની માંગણી કરી ત્યારે તત્કાલીન સરકારે આ માંગણી ન સ્વીકારવાનું નક્કી કર્યુ હતું. પરંતુ અપહરણ કરાયેલા મુસાફરોના સગાં-સંબંધીઓએ સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો. તેમના કહેવા મુજબ ભારત અને પાકિસ્તાનની સરકારો વચ્ચેના મામલામાં અપહ્યત મુસાફરો ભોગ બનતાં હતા. આ ઉપરાંત અમેરિકા અને વિશ્વ માનવાધિકાર પંચ દ્વારા સરકાર પર દબાણ આવ્યું. તેથી દબાણવશ થઈ નાછૂટકે આતંકવાદીઓને છોડવા પડ્યા. આ નિર્ણય ખરેખર આત્મઘાતી હતો અને તેના પરિણામો આજે પણ દેશ ભોગવી રહ્યો છે. આ બધુ થયા બાદ જ આતંકવાદીઓ સામે લડાઈના એક ભાગ સ્વરુપ જ પોટા કાયદો ઘડવામાં આવ્યો હતો. પણ પોતાની વોટબેંકની રાજનીતિ સિધ્ધ કરવા કોંગ્રેસે તેને નાબુદ કરી દીધો. તેમ છતાં મારે કોંગ્રેસને પુછવું છે કે આ પરિસ્થિતિમાં કોંગ્રેસની સરકારે અને રાહુલ ગાંધીએ ક્યા પ્રકારનો નિર્ણય લીધો હોત? ગઈ લોકસભાની અને ગુજરાત વિધાનસ્ભાની ચૂંટણી વખતે પણ કોંગ્રેસ દ્વારા આ મુદ્દો ઉછાળવામાં આવ્યો હતો. આ પ્રકારના દુ:ખદ બનાવો પર રાજનીતિ કરીને કોંગ્રેસ શું સાબિત કરવા ઈચ્છે છે? જો ચૂંટણી પંચ દ્વારા ભડાકાઉ ભાષણ આપવા બદલ વરુણ ગાંધી વિરુધ્ધ પગલાં ભરવામાં આવ્યા તો પોતાના રાજકીય લાભ માટે ભાન ભુલી દેશની ઉપરના કલંકસમા મુદ્દા ઉખેળતી કોંગ્રેસ વિરુધ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.  

No comments: